શ્રીમદ રાજચંદ્ર આરતી – બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો

2

|| શ્રીમદ રાજચંદ્ર આરતી ||

જય જય જય હે પરમ કૃપાળુ શ્રીમદ્ સદ્ ગુરૂ દેવા,

ગુર્જર ભૂમિને ગૌરવ ધરતાં પ્રગટ થયા પ્રભુ પોતે.
જ્ઞાન દીપ પ્રગટાવી આપે મોક્ષમાર્ગ અજવાળ્યો. .. જય જય

સર્વ રિદ્ધિ સિદ્ધિના દાતા આત્મસિદ્ધિ ધરનારા,
પચ્ચીસમા તીર્થંકર પ્રભુજી વંદન આજ સ્વીકારો. … જય જય

ગૃહસ્થ યોગી તપસ્વી સાચા સ્વયં સિદ્ધ પરમાત્મા,
મોક્ષનું મંગલ દ્વાર હવે તો દયા કરી દર્શાવો. … જય જય

લઘુરાજજી બ્રહ્મચારીજી સહાયક બનો સાચા.
મંગલમૂર્તિ શ્રીમદ્ પ્રભુની જીવનમાં પ્રગટાવો. … જય જય

અંતરની આરતી સ્વીકારો પ્રેમ પ્રણામ અમારા,
સર્વેશ્વરી માંગે છે ભિક્ષા વીતરાગી પદ આપો. … જય જય

=================================

|| બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો ||

બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો, નહિ એક્કે ટળ્યો,
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ?

લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ?
શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!!

નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે;
પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિધ્ધાંત કે પશ્વાત દુ:ખ તે સુખ નહીં.

હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિધ્ધાંતત્વ અનુભવ્યાં.

તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
રે! આત્મ તારો આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હ્ર્દયે લખો.

 

 

Leave a comment