નવપદજીની આયંબિલની ઓળી

1 

|| નવપદજીની આયંબિલની ઓળી ||

“ચૈત્ર-આસો મહિનામાં આવતી નવપદજીની આયંબિલની ઓળીનો અનેરો મહિમા”

જૈન ધર્મમાં એને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે : જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે

અનંત કરુણાના સ્વામી શ્રી ર્તીથંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરી એ ધર્મર્તીથની આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા છે. જે જીવની જે-જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગ, શક્તિ એ-એ પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌકોઈને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે નવપદની આરાધના. જૈનોના ઘર-ઘરમાં, ઘટ-ઘટમાં વસેલા આ નવપદનો મહિમા દર્શાવતા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘નવપદની પૂજા’માં દર્શાવ્યું છે કે –

યોગ અસંખ્ય છે જિન કહ્યા
નવપદ મુખ્ય તે જાણો રે
એહ તણા અવલંબને
આતમ-ધ્યાન પ્રમાણો રે…

જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એ માટે ચૈત્ર અને આસો મહિનામાં નવ-નવ દિવસની આયંબિલની ઓળીનો ઉત્સવ નિયત કરવામાં આવ્યો છે. જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે. ઓળીના આ નવે દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે અને નવ દિવસ રોજ એક-એક પદની આરાધના નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે.

જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપશ્ચર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી એટલે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે.

આયંબિલ કરવા સાથે જે જુદા-જુદા પ્રકારની તપશ્ચર્યા થાય છે એમાં એક ઘણી આકરી અને ધીરજની કસોટી કરનારી લાંબા સમયની મોટી તપશ્ચર્યા એ વર્ધમાન તપની ઓળી છે. વર્ધમાન એટલે વધવું. જેમ-જેમ સમય જાય તેમ-તેમ તપ વધતું જાય. એવું તપ એ વર્ધમાન તપ. આ તપમાં મુખ્ય આયંબિલ છે અને સાથે ઉપવાસ હોય છે. એમાં એક આયંબિલની ઓળીથી ક્રમે-કમે વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું છે. આ તપ કરનારે પ્રથમની પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે. એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ, ચાર આયંબિલ ને એક ઉપવાસ અને પાંચ આયંબિલ ને એક ઉપવાસ. એ રીતે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાના હોય છે. ત્યાર પછી શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી છ આયંબિલ અને એક ઉપવાસ કરવાના હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ કરવાના આવે છે. આમ ઓળી વચ્ચે એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની તપશ્ચર્યા કરે તો પણ માણસને સો ઓળીની આ તપશ્ચર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ૧૪ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી વચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય એમ એ તપશ્ચર્યા લંબાય. ક્યારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખો માણસોમાં કોઈ વિરલ માણસ જ આટલાં બધાં વર્ષ ધીરજપૂર્વક આ તપશ્ચર્યા કરી શકે. જોકે આવી ર્દીઘકાલીન તપશ્ચર્યા કરનારા માણસો આજે પણ વિદ્યમાન છે એ આનંદની વાત છે. કેટલાકે તો પોતાના જીવનમાં એકસો કે એથી વધુ વર્ધમાન તપની ઓળી કરી હોય એવા ઘણા દાખલા જૈન ઇતિહાસના પાને નોંધાયા છે.

વર્ધમાન તપની ઓળીની આરાધના જો શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિઘ્નો કે અંતરાયો દૂર થાય છે. એથી મોટામાં મોટો લાભ તો એ છે કે આ આરાધનાથી ર્તીથંકર નામકર્મ બંધાય છે.

જૈનો હર્ષોલ્લાસ સાથે આયંબીલ ઓળીમાં નવ – નવ દિવસ સુધી આયંબીલ તપ કરે છે. જેમાં માત્ર એક જ વખત લુખ્‍ખુ – સુક્કુ તેલ અને સબરસ વગરનું ભોજન કરવાનુ હોય છે. આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ પણ આયંબીલ તપને આરોગ્‍ય માટે શ્રેષ્‍ઠ માનવમાં આવે છે. આયંબીલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર અને આસોમાસમાં આવે છે. આ તપ કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધે છે. તમામ દર્દનું ઔષધ તપ માનવામાં આવે છે. તપ એ તો કર્મ નિર્જરા કરવાનુ ઉત્તમોત્તમ સાધન છે એટલે જ ઉત્તરાધ્‍યયન સૂત્રમાં પ્રભુએ ફરમાવેલ છે કે ક્રોડો ભવના બાંધેલા કર્મો તપથી નિર્જરી અને ખરી જાય છે. આગમ બતાવે તપ ધર્મની ધુરા, ગુરૂ કૃપાએ મનોરથ થાય પૂરા.

આયંબીલની ઓળીમાં નવ દિવસ સુધી નવપદ જેમાં નમો અરિહંતશરણ પદથી લઈને નમો લોએ સવ્‍વસાહૂર્ણ અને જ્ઞાન – દર્શન ચારિત્ર અને તપની આરાધના કરવાની હોય છે.

ગ્રંથોમાં આયંબીલ તપનું મહત્‍વ બતાવતા અનેક પ્રેરક દૃષ્‍ટાંતો આવે છે જેમાં શ્રી પાલ અને મયણાનું દૃષ્‍ટાંત સુપ્રચલિત છે કે આયંબીલ તપ કરવાથી શ્રીપાલની કાચા કંચનવર્ણી બની જાય છે. તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલુ છે કે ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્ઘકાલીન સમય સુધી તપની આરાધના કરેલી હતી. આ આયંબીલ તપની તાકાત એટલી જબરદસ્‍ત છે.

આયંબીલ તપ કરવાથી રસેન્‍દ્રીય ઉપર વિજય મેળવી શકાય છે. કારણ કે પાંચ ઈન્‍દ્રિયમાં રસેન્‍દ્રિયને જીતવી ખૂબ જ કઠીન છે. જીભ બે કામ કરે, ખાવુ અને બોલવુ પરંતુ મોટાભાગે આ જીભ ખાઈને બગાડે છે અને બોલીને પણ બગાડે છે. આયંબીલ એટલે સાપ જેમ દરમાં પ્રવેશ કરે તેમ ખોરાકને મોં માં પ્રવેશ કરાવવાનો હોય છે. આ કાયા પાસેથી તપ કરીને કામ કઢાવી લેવાનુ છે. ફકત પેટને ભાડુ દેવા ખાતર જ ખોરાક ગ્રહણ કરવાનુ લક્ષ રાખવાનુ હોય છે.

“આયંબીલથી ચમકાવજો તમારો ચહેરો,
રસેન્‍દ્રીય ઉપર મુકજો ચોકી પહેરો,
ચૂકવી દયો ચાર ગતિનો કરવેરો,
સફળ થાશે આ માનવફેરો”

પ્રભુ પરમાત્‍માને જયારે પ્રશ્ન પૂછવામાં આવે કે હે પ્રભો ! આપના ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્‍વીઓમાંથી શ્રેષ્‍ઠ તપસ્‍વી કોણ? ત્‍યારે કરૂણાસાગર જવાબ આપે કે કાંકદીના ધન્‍ના અણગાર કે જે  જાવજજીવ છઠના પારણે છઠ અને પારણમાં પણ આયંબીલ ઉચ્‍છિત આહાર કરતા, એટલે જ સાધુ વંદનામાં સ્‍તુતિ કરતા બોલીએ છીએ કે વીરે વખાણયો…ધન્‍નો… ધન્‍નો અણગાર.

વાદમાં નથી મજા, સ્‍વાદમાં છે સજા, સ્‍વાદિષ્‍ટ આહારને આપો રજા, આયંબીલની ફરકાવવો ધજા, તપસ્‍વીઓ એ તો સંઘ અને શાસનના અણમુલા રત્‍નો ગણાય છે. તપસ્‍વીઓને ખૂબ ખૂબ સુખશાતા – સમાધિ રહે તેનુ શ્રી સંઘે કાળજી રાખવાથી તપસ્‍વીઓ તપમાં આગળ વધતા રહી કર્મોની નિર્જરા કરે છે સાથોસાથ શાસનની આન – બાનને શાનમાં પણ વધારો કરે છે. સળંગ નવ દિવસ સુધી તપ થઈ શકતુ હોય તો તે ઉત્તમ છે પરંતુ જેનાથી કોઈ કારણસર ન થઈ શકતુ હોય તો છૂટક – છૂટક પણ આયંબીલ કરી શકાય છે. જેથી જીવાત્‍મામાં તપના સંસ્‍કાર આવે છે.

|| ઓળી કરનાર ભાઇ – બહેનોને આવશ્યક સૂચનો ||

1. આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહી.
2. આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવવો તથા બની શકે તેટલી `અ-મારી’ પળાવવી.
3. દેવપૂજનનાં કાર્ય સિવાય સચિત્ત પાણીનો ત્યાગ રાખવો.
4. પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન, અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહિ.
5. જતા-આવતાં ઇર્યાસમિતિનો ખાસ ઉપયોગ રાખવો.
6. કોઇ પણ ચીજ લેતાં-મૂકતાં કટાસણું, સંથારીયું પાથરતાં, યતનાપૂર્વક પુંજવા-પ્રમાર્જવાનો ઉપયોગ રાખવો.
7. થુંક, બળખો, લીંટ જેમ તેમ નાંખવા નહિ, પણ રૂમાલ રાખીને તેમાં કાઢવા ખાસ ઉપયોગ રાખવો. તેથી પણ જીવરક્ષા સારી થઇ શકે છે.
8. પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, પ્રભુપૂજન વિગેરે ક્રિયા કરતાં, ગુણણું ગણતાં, આહાર વાપરતાં, માર્ગે જતાં આવતાં, સ્થંડિલ, માત્રુ કરવા જતાં બોલવું નહિ.
9. આયંબિલ કરતી વખતે આહાર ભાવતો હોય કે ના હોય તેના ઉપર રાગદ્વેષ કરવો નહિ. વાપરતા `સુર સુર’ `ચળ ચળ’ શબ્દ નહિં કરતા એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું.
10. ચૌદ નિયમો હંમેશ ધારવા ઉપયોગ રાખવો.
11. પાણી પીધા પછી પ્યાલો તુરત જ લૂછી નાંખવો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉપ્તતિ થાય છે.
12. થાળી વાટકા વગેરે તમામ વાસણો નામ વિનાનાં તથા વસ્ત્રાે ધોયેલાં વાપરવાં, સાંધેલાં-ફાટેલાં ન વાપરવાં.
13. ભાણાં માંડવાના પાટલાઓ ડગતા ન રહે તેનો ખાસ ઉપયોગ રાખવો.
14. નવકારવાલી તથા પુસ્તક વગેરે શુદ્ધ ઉંચે સ્થાનકે મૂકવાનો ઉપયોગ રાખવો. ચરવળે ભરાવી દેવાથી તથા કટાસણ ઉપર જેમ તેમ મૂકી દેવાથી આશાતના થાય છે.
15. દરેક ક્રિયા ઉભા ઉભા પ્રમાદ રહિતપણે કરવી.

|| નવપદજીની શાસ્વતી ઓળી એટલે ||

*આયંબિલ તપ કરી પુણ્યનુ ભાથુ બાધશો.
*એક આયંબિલ કરવાથી એક હજાર કરોડ વરસ નું નારકી નું આયુષ્ય તૂટે છે.
*આયંબિલ એટલે સ્વાદીષ્ટ ભોજન કરવાની આશક્તિ પર નિયંત્રણ કરવાનો અચૂક ઉપાય.
*કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમા આયંબીલ કરવું મહા-મંગલકારી છે.
*આયંબિલ એટલે કઠીન કર્મો ક્ષય કરવાનો રામ-બાન ઈલાજ.
*આયંબિલ અશુભ કર્મોને જલ્દી ખપાવે.
*આયંબિલથી પુણ્યનો ઉદય જલ્દી થાય.
*આયંબિલથી દુઃખ ટળે.
*આયંબિલથી sukh મળે.
*આયંબિલની ઓળી કરવી એ શ્રેષ્ટ તપમનુ એક તપ છે.
*ઓળીમાં ઓછામા ઓછા ત્રણ આયંબિલ કરવા જેથી વિધ્નો દૂર થાય અને શાંતિ મળે.

*વિરાધાનાના વિશ દૂર કરીને અમૃતનું પાન કરવાનું પુણ્ય પર્વ.
*સમતાની સાધના દ્વારા સિદ્ધિના શિખરો સર કરવાનું પુણ્ય પર્વ.
*કર્મના બંધનથી મુક્ત બનીને મુક્તિ મહેલમાં સહેલ કરવાનું પુણ્ય પર્વ.
*ક્રોધના અગ્નિને શાંત કરવા માટે ક્ષમાના જળનું સિંચન કરવાનું પુણ્ય પર્વ.
*વિશ્વના તમામ જીવો પ્રત્યે પ્રેમભાવ પ્રગટાવવાનું પુણ્ય પર્વ.
*વાત્સલ્યના વારિ (પાણી) ના સ્નાન દ્વારા આત્માને શુદ્ધ કરવાનું પુણ્ય પર્વ.
*વાસનાથી વિમુખ બનીને ઉપાસના કરવાનું પુણ્ય પર્વ.
*જીવનના દરેક કાર્યને મોક્ષના લક્ષને ધ્યાનમા રાખીને કરવાનું પુણ્ય પર્વ.
*આત્મ્વાદનો સ્વીકાર કરીને ધર્મ સત્તાને શરણે જવાનું પુણ્ય પર્વ.
*શ્રી ઋષભદેવ ભગવાને બતાવેલ જીવન શૈલી પ્રમાણે જીવતા શીખવાનું પુણ્ય પર્વ.
*દુરાગ્રહોને છોડીને સત્યને સમજવાની દ્રષ્ટિ કેળવવાનું પુણ્ય પર્વ.

|| આ છે …….આયંબિલ તપના મહાન તપસ્વીઓ ||

* વર્ધમાન તપની અખંડ રીતે ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર શ્રી ચંદ્રકેવળી બન્યા. જેઓ ગઈ ચોવીસીમાં બીજા નિર્વાણી પ્રભુના શાસનમાં મોક્ષે પધાર્યા.તેમનું નામ ૮૦૦ ચોવીસી સુધી અમર રહેશે.
* ભગવાન રઋશભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ.
* સનત્કુમાર ચક્રવર્તીએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળીપૂર્ણ કરીને લોકોત્તર પુણ્ય પ્રાપ્ત કરી ચક્રવર્તી થઇ ત્રીજા દેવલોકે ગયા.
* ભગવાન નેમીનાથના સદુપદેશથી દ્વારિકાનો ઉપદ્રવ ટાળવા ૧૨ વર્ષ સુધી અખંડ આયંબિલ ચાલેલ.
* પાંચ પાંડવોએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળી કરેલ.
* મહાસતી દ્રોપદીએ પદ્મોતર રાજાની આપત્તિમાંથી દૂર થવા માટે છ મહિના પર્યંત છઠણા પારણે આયંબિલ કર્યા હતા.(જ્ઞાતા સૂત્ર)
* મહાસતી દમયંતીએ પૂર્વ ભવમાં ૫૦૪ અખંડ આયંબિલથી તીર્થંકર તપ કરીને ૨૪ ભગવાનના લલાટમાં હીરાના તિલક સ્થાપેલ.
* ચરમ કેવળી જંબુસ્વામીએ પૂર્વ ભવમાં ૧૨ વર્ષ સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* ધન્ના અણગારે જાવજજીવ સુધી સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* સિંહસેન દિવાકર સૂરીએ ૯ વર્ષ સુધી અખંડ આયંબીલ કરેલા.
* વીર પ્રભુની ૪૪ મી પાટે થયેલ જગત્ચંદ્રસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.
* સંતિકર સ્તોત્રના કરતા મુનિસુંદરસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.

 

 

 

One thought on “નવપદજીની આયંબિલની ઓળી

Leave a comment