શ્રી ગણેશજી પ્રથમ પૂજનીય કેમ ?

6jpg

|| શ્રી ગણેશજી પ્રથમ પૂજનીય કેમ ? ||

કોઈ પણ કાર્યનો પ્રારંભ ભગવાન ગણેશજીની પૂજાથી કરવામાં આવે છે. તેમને વિઘ્નહર્તાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનું નામ સ્મરણ કરવા માત્રથી કાર્યનું વિઘ્ન દૂર થઈ જાય છે. સમસ્ત દેવોમાં પ્રથમ પૂજા ગણેશજીની જ થાય છે. તેત્રીસ કરોડ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજા ગણેશજીની જ કેમ તેની જિજ્ઞાસા સૌને હોય તે સ્વાભાવિક છે. ઋગ્વેદમાં લખાયું છે કે ‘ન ઋતે ત્વમ્ ક્રિયતે કિં મનારે’ (ઋગ્વેદ ૧૦-૧૧૨-૯) અર્થાત્ ‘હે ગણેશ તમારા સિવાય કોઈ પણ કાર્ય આરંભી શકાતું નથી.’

ગજાનનને વૈદિક દેવતાની પદવી અપાઈ છે. ૐના ઉચ્ચારણથી જ વેદનો પાઠ આરંભાય છે. ૐમાં ગણેશજીની મૂર્તિ સદા સ્થિત રહે છે માટે જ તો ભક્તજનો પ્રથમ તેમનું સ્મરણ કરે છે. ‘ગણાનાં ત્વા ગણપતિ, હવામહે પ્રિયાણાં ત્વા પ્રિયપતિ, હવામહે નિધિનાં ત્વા નિધિપતિ હવામહે’ અર્થાત્ ‘હે ગણેશ! તમે સમસ્ત દેવગણોમાં એકમાત્ર ગણપતિ (ગણોના પતિ) થાવ, પ્રિય વિષયોના અધિપતિ હોવાથી પ્રિયપતિ અને રિદ્ધિ-સિદ્ધિ અને નિધિઓના અધિષ્ઠાતા હોવાના નાતે નિધિપતિ થાવ.

ગણેશ પુરાણમાં ઉલ્લેખ મળે છે.

ઓંકારરૂપી ભગવાન યો વેદાદૌ પ્રતિષ્ઠિતઃ
યં સદા મુનયો દેવાઃ સ્મરન્તિન્દ્રાદયો હૃદિ
ઓંકારરૂપી ભગવાનુંક્તસ્તુ ગણનાયકઃ
યથા સર્વેષુ કાર્યેષુ પૂજ્યતે ડસૌ વિનાયકઃ

અર્થાત્ ઓંકારરૂપી ભગવાન જે વેદોના પ્રારંભમાં પ્રતિષ્ઠિત છે, જેને સર્વદા મુનિ તથા ઇન્દ્ર વગેરે દેવ હૃદયમાં સ્મરણ કરે છે. ઓંકારરૂપી ભગવાન ગણનાયક કહેવાયા છે તે જ વિનાયક સઘળાં કાર્યોમાં પ્રથમ પૂજ્ય હોય છે.

ગણેશજીની પ્રથમ પૂજાના સંબંધમાં પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે. શિવ દ્વારા ગણેશજીનું મસ્તક છેદાયા પછી પાર્વતીજી ઘણાં ગુસ્સે ભરાયાં. હાથીનું મસ્તક બેસાડયા પછી પણ જ્યારે તેઓ શિવ પર નારાજ રહ્યાં ત્યારે શિવજીએ તેમને વચન આપ્યું કે તેમનો પુત્ર ગણેશ કુરૂપ કહેવરાવશે નહીં, પરંતુ તેમની પૂજા સઘળા દેવતાઓ પહેલાં કરવામાં આવશે.

અન્ય એક કથા અનુસાર એક વખત સઘળા દેવતાઓમાં શ્રેષ્ઠ કોણ છે તે બાબતે વિવાદ સર્જાયો. પરસ્પરના ઝઘડાના સમાધાન માટે તેઓ સૌ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી સઘળા દેવતાઓને લઈને મહેશ્વર શિવ પાસે ગયા. શિવે શરત મૂકી કે જે સમગ્ર દુનિયાની પરિક્રમા કરીને સૌથી પહેલાં અહીંયાં આવી પહોંચશે તે જ શ્રેષ્ઠ કહેવાશે અને તેની જ પૂજા સર્વ પ્રથમ થશે. શરત સાંભળીને સઘળા દેવતાઓ પોતપોતાનાં વાહન પર બેસીને વિશ્વની પરિક્રમા કરવા નીકળી પડયા, પરંતુ ગણેશજી પોતાની જગ્યાએ ઊભા રહીને ગંભીરતાપૂર્વક કંઈક વિચારવા લાગ્યા.

થોડીક ક્ષણો પછી તેમને માતા-પિતાને એકસાથે બેસવા જણાવ્યું, પછી તેમની પરિક્રમા કરી લીધી અને આમ પોતાની બુદ્ધિચાતુર્યના બળે માતા (પૃથ્વી) અને પિતા (આકાશ)ની પરિક્રમા કરી સર્વશ્રેષ્ઠ પૂજનના અધિકારી બની ગયા.

આ રીતે તેમની બુદ્ધિચાતુર્યથી તેમને પ્રથમ પૂજનના સન્માનની યોગ્યતા પ્રાપ્ત થઈ. વિચાર કરો કે મહાભારતના રચયિતા શ્રી વેદ વ્યાસને શ્રીગણેશજી જેવા લહિયા મળ્યા ન હોત તો શું આ ગ્રંથનું નિર્માણ થઈ શક્યું હોત? વેદ વ્યાસે પણ ગણપતિને પ્રથમ સ્થાન આપ્યું હતું. ગણેશજી એટલી તો દ્રુત ગતિથી લખતા હતા કે એટલી શીઘ્રતાથી વ્યાસજી શ્લોકોની રચના કરી શકતા નહોતા. ફળ સ્વરૂપે તેમને પ્રતિબંધ લગાવવો પડયો કે શ્લોકનો અર્થ સમજ્યા વિના તેઓ તેને લખે નહીં.

ગણેશજી એક આદિદેવ છે, વૈદિક ઋચાઓમાં તેમને સ્થાન પ્રાપ્ત થયેલું છે. તેમનું અસ્તિત્વ હંમેશાં રહ્યું છે. ગણેશ પુરાણમાં બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા ગણેશજીની પૂજા કરવાનો ઉલ્લેખ જોવા મળે છે.

Leave a comment