મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક

1  2

|| મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક  ||

પોષ વદિ તેરસની મેરુ પૂજનની તિથિ. (સંજ્ઞા.)
પોષ વદિ તેરસ. તે દિવસે રત્ન કે ધીનો મેરુ કરી તેનું પૂજન કરાય છે.

ભરત ક્ષેત્રમાં વ્યાપેલા અધર્મના અંધકારને ખતમ કરવા પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામીનો જન્મ – ફાગણ વદ આઠમ ના રોજ અયોધ્યામાં થયો. ભરત ક્ષેત્રની ઇશ્વાકુ ભૂમિમાં નાભિરાજા કુલકર પિતા અને મરુદેવા માતાને ત્યાં પ્રભુનો જીવન વિકાસ શરૂ થયો.

આ સમય યુગલિક કાળ કહેવાતો, કલ્પવૃક્ષની મદદથી ઇચ્છાપૂર્વક જીવન નિર્વાહ થતો.

ભગવાન આદિનાથનો મહિમા અપરંપાર છે. જૈનોના તિર્થાધિરાજ શત્રુંજય તીર્થમાં મૂળનાયક તરીકે ભગવાન બિરાજે છે. પ્રભુને ભરત – બાહુબલિ આદિ સો પુત્રો હતા. તેમાં ભરત મહારાજા પ્રથમ ચક્રવર્તી રાજા થઈ ગયા.

ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે જૈન – જૈનેતર પ્રજામાં પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે જૈનોના તીર્થંકર ભગવાન ઋષભદેવના જીવનની ઘટના સંકળાયેલી છે અને તે રીતે કરોડો – અસંખ્ય વર્ષોથી આ પર્વનો મહિમા જૈન દર્શનમાં ખૂબ વખણાયેલો છે.

ભગવાન ઋષભદેવનું જન્મકલ્યાણક હોવાને લીધે આજનો દિવસ કલ્યાણક તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે ફાગણ વદ આઠમની તિથિને જૈનો પ્રભુના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક તરીકે ઉજવે છે. પ્રભુના દીક્ષા કલ્યાણકનો એટલે કે ઋષભદેવ પ્રભુએ ફાગણ વદ આઠમે દીક્ષા લીધી તેની પાછળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. જેનું વર્ણન પર્યુષણમાં વંચાય છે, કલ્પસૂત્રમાં અદ્ભુત રીતે જોવા મળે છે. જૈનોના તીર્થંકરો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન સાથે માતાની કુક્ષીમાં આવે છે ત્યારે પ્રભુની માતાને ચૌદ સ્વપ્નો આવે છે.

જૈનોના તીર્થંકરો દીક્ષાના દિવસ પહેલા એક વર્ષ સતત રોજ વરસીદાન કરે છે તે માટે લોકાંતિક દેવો ઋષભ દીક્ષાના અવસરની યાદ આપી એક વર્ષ સુધી વરસીદાનની વિનંતી કરે છે. ઋષભકુમારે એક વર્ષમાં ૩૮૮ કરોડ સોનૈયાનું દાન કર્યું. પ્રથમ ઋષભકુમારને ક્ષીર સમુદ્રના પાણીથી એક હજાર કળશોથી અભિષેક કરી સ્નાન કરાવ્યું પછી ચંદન વગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કરાવ્યું.

ફાગણ વદ આઠમના દિવસે ઋષભ રાજકુમારે જૈન વિધિ પ્રમાણે સ્વયં ચાર મૂઠીથી કેશ ઉખેડી લોચ કરી દીક્ષા લીધી. પાંચમી મૂઠીથી લોચ કરવા જાય છે ત્યારે ઇંદ્રે સુંદર દેખાતી વાળની લટોનો લોચ ન કરવા વિનંતી કરી તેથી બન્ને બાજુએ લટકતી બે લટોનો લોચ કર્યા વિના પ્રભુએ બે લટ એમ જ રહેવા દીધી.

ફાગણ વદ આઠમે દીક્ષા લીધા પછી શ્રી ઋષભદેવ પ્રભુ ગોચરી માટે વિહરવા લાગ્યા. એ સમયે યુગલિયા લોકો સુખી-સમૃદ્ધ હતા, લોકોને ભિક્ષાચાર અંગે કોઈ ખ્યાલ ન હતો એટલે લોકો પ્રભુને ભિક્ષામાં હીરા, માણેક, રત્ન, સુંદર કન્યાઓ વગેરે આપવા લાગ્યા, પણ ભગવાનને નિર્દોષ આહારની જરૂર છે એમ કોઈ જાણતું કે માનતું નહિ. આમ ગોચરી માટે નિર્દોષ આહાર માટે વિહરતા વિહરતા પ્રભુ હસ્તીનાપુર તરફ ગયા. હસ્તીનાપુર રાજા બાહુબલીના પુત્ર સોમપ્રભ હતા. તેમના પુત્ર રાજકુમાર શ્રેયાંસકુમારને, રાજા સોમપ્રભને અને નગર શેઠ સુબુદ્ધિને સુંદર સ્વપ્ન આવ્યાં.

જેમાં શ્રેયાંસકુમારને અમૂલ્ય લાભ થશે એવો સંકેત દરેકને સ્વપ્નમાં જોવા મળ્યો. પ્રભુ ઋષભદેવને દીક્ષા લીધા પછી ગોચરી માટે નિર્દોષ આહાર મેળવવા વિચરતા વિચરતા ૧૩ માસનો સમય વીતી ગયો.

એ જ વખતે એક માણસે શેરડીના રસના ઘડા શ્રેયાંસકુમારને ભેટ ધર્યા અને એક ઘડો લઈ શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આ નિર્દોષ પ્રાસુક રસ વાપરો. પ્રભુએ પણ પોતાના હાથ પ્રસાર્યા અને શ્રેયાંસકુમારે એક પછી એક તમામ ઘડાનો રસ રેડી દીધો. આ પ્રમાણે ૧૩ માસ પછી વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે કર્યું. લોકોએ આનંદથી આ પ્રસંગ વધાવી લીધો. દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યાં અને શ્રેયાંસકુમારે લોકોને પોતાનો ભગવાન સાથેનો આઠ ભવનો સંબંધ કહ્યો.

પ્રભુના ૧૩ માસના વર્ષીતપના અનુકરણ અનુમોદન માટે આજે પણ જૈન તપસ્વી આરાધકો ગુજરાતી ફાગણ વદ આઠમથી એક ઉપવાસ એક બેસણું, એક ઉપવાસ એક બેસણું એમ આખા વર્ષ દરમિયાન વર્ષીતપની આરાધના કરી અખાત્રીજના દિવસે જિન મંદિરમાં આદીનાથ ભગવાનને શેરડીના રસથી પ્રક્ષાલ પૂજા આદિ વિધિવિધાન કરવાપૂર્વ શેરડીના રસથી પારણું કરી આખાત્રીજની આરાધના ઊજવે છે.

શ્રી ઋષભદેવ પ્રભુ ૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા, ૬૩ લાખ પૂર્વ રાજ્યવસ્થામાં રહ્યા, ૮૩ લાખ પૂર્વ ગૃહાસ્થાવસ્થામાં રહ્યા, એક હજાર વર્ષ સાધના કાળમાં કેવલજ્ઞાન વિના છદ્મસ્થ પર્યાયમાં રહ્યા, બાકીના શેષ લગભગ એક લાખ પૂર્વે કેવલી અવસ્થામાં વિચરી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા. મોક્ષે સિધાવ્યા. એક પૂર્વ એટલે ૮૪ લાખ ગુણ્યા ૮૪ લાખ વર્ષ થાય (૭૦ હજાર ૫૬૦ અબજ વર્ષ). આમ ભગવાન ઋષભદેવે જીવ માત્ર માટે શાશ્વત સુખનો સંદેશો આપ્યો.

આજે એ વાતને કરોડોથી પણ વધુ વર્ષ થઈ ગયા છે, પણ એ સંદેશો હજીય પૃથ્વીને પાવન કરી રહ્યો છે. પ્રભુ પોષ વદ તેરસના રોજ બાકીનું આયુષ્ય કેવલી અવસ્થામાં પૂર્ણ કરી અષ્ટાપદ પર્વતના શિખર ઉપર નિર્વાણ પામ્યા. ત્યારથી મેરુ તેરસ તરીકે પ્રભુ આદિનાથની આરાધનાપૂર્વક જૈનો પર્વ માને છે.

પ્રભુ આદિનાથની સ્તુતિનો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે બનાવેલા શ્લોક જૈનોમાં ખૂબ પ્રસિદ્ધ છે.

આદિમં પૃથ્વીનાથાય આદિમં નિષ્પરિગ્રહમ્
આદિમં તીર્થનાથં ચ, ઋષભ સ્વામિનં સ્તુમઃ

આ યુગના સૌ પ્રથમ રાજા, સૌ પ્રથમ સાધુ, નિગ્રંથ સૌપ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ સ્વામીને હું સ્તુતિ કરવા પૂર્વક નમસ્કાર કરું છે.

|| મેરુ તેરસ – પોષ વદ ૧૩ આદિનાથ પ્રભુ નિર્વાણ કલ્યાણક – અભિજિત નક્ષત્રે ||

૫૦૦ ધનુષ્ય એટલે કે ૩૦૦૦ ફૂટ ની ઉંચાઈ વાળા ૧૦૮ જીવ ૧ સાથે , ૧ સમયે ક્યારેય મોક્ષે ના જાય
પણ આ વર્તમાન ચોવીસી ના પહેલા અછેરા (અપવાદ રૂપ દુર્લભ ઘટના ),માં
શ્રી આદીનાથ દાદા
એમના ૯૯ પુત્રો
અને ૮ પોઉંત્રો (ભરત ચક્રવર્તી ના પુત્રો) સહીત ૧૦૮ પૂન્યત્માઓ એકી સાથે,
૧ માત્ર કલ્યાણક ની ભૂમિ શ્રી અષ્ટાંપદજી થી મોક્ષે સિધાવ્યા
ત્યાર બાદ શ્રી ઇન્દ્ર દેવ એ ૩ ચિતા બનાવરાવી
૧ દાદા ની
૧ દાદા ના ગણધર ભગવંતો ની
અને ૧ બાકીના સાધુઓ ની.
પ્રભુ ના અવસાન બાદ શ્રી ભરત ચક્રવર્તી અવાચક અને ઉદાસ થઇ ગયા ત્યારે
ઇન્દ્ર દેવ એ વિશિષ્ટ હાવ ભાવ કરી ભરત ચક્રવર્તી ને રડતા શિખવાડ્યું
ત્યાર થી લોકો માં મૃત્યુ પાછળ રડવા ની પ્રથા શરુ થઇ

=========================================

ઋષભ નિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝ્‌યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત… ઋષભ૦ ૧

પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગઈ ન કોય;
પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય… ઋષભ૦ ૨

કોઈ કંત કરણ કાષ્ઠ [૧] ભક્ષણ કરે રે, મિલ શું કંત ને ધાય;
એ મેળો નવિ કહિયે [૨] સંભવે રે, મેળો ઠામ ન ઠાય… ઋષભ૦ ૩

કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ;
એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રમ્જન ધાતુ [૩] મિલાપ… ઋષભ૦ ૪

કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;
દોષ રહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ… ઋષભ૦ ૫

ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટ રહિત થઈ આતમ અરપણા રે, “આનંદધન” પદ એહ… ઋષભ૦ ૬

==========================================

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ. તેર
(2) જન્મ અને દિક્ષા વિનિતા નગરીમાં થયા.
(3) તીર્થંકર નામકર્મ..વજ્રનાભ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ -સર્વાર્થ સિદ્ધ વિમાન માં.
(5) ચ્યવન કલ્યાણક – જેઠ વદ-૪ ઉત્તરાષાઢા નક્ષત્ર માં.
(6) માતા નું નામ -મરૂદેવી માતા અને પિતાનું નામ – નાભિરાજા.
(7) વંશ -ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ- નવમાસ અને આઠ દિવસ.
(9) લંછન – વૃષભ અને વર્ણ સુવર્ણ .
(10) જન્મ કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ – ૫૦૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(13) કેટલા જણ સાથે દિક્ષા – ૪૦૦૦ રાજકુમાર સાથે દિક્ષા લીધી.
(14) દિક્ષા શીબીકા- સુદર્શના અને દિક્ષાતપ છઠ્ઠ .
(15) પ્રથમ પારણુંનું સ્થાન-ગજપુર અને પારણું શ્રેયાંસકુમારે ઇક્ષુરસ થી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા માં ૧૦૦૦ વર્ષ રહ્યા.
(17) કેવલજ્ઞાન કલ્યાણક-તપઅઠ્ઠમ અને વટવ્રુક્ષ નીચે પુરિમતાલ નગરી માં મહાવદ-૧૧, ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(18) શાશન દેવ -ગોમુખયક્ષ અને શાશનદેવી -ચક્કેશ્વરીદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ ત્રણ ગાઉ.
(20)પ્રથમ દેશના નો વિષય યતિધર્મ અને શ્રાવકધર્મ.
(21) સાધુ- ૮૪૦૦૦ અને સાધ્વી બ્રાહ્મી આદિ-૩૦૦,૦૦૦ ની સંખ્યા હતી.
(22) શ્રાવક -૩૫૦,૦૦૦ અને શ્રાવિકા ૫૫૪,૦૦૦ ની સંખ્યા હતી.
(23) કેવળજ્ઞાની- ૨૦૦૦૦, મન:પર્યાવજ્ઞાની- ૧૨૭૫૦ અને અવધિજ્ઞાની -૯૦૦૦ .
(24) ચૌદપૂર્વધર-૪૭૫૦ અને વૈક્રિયલબ્ધિઘર-૨૦૬૦૦ તથા વાદી -૧૨૬૫૦ .
(25) આયુષ્ય – ૮૪ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક – પોષવદ -૧૩- અભિજિત નક્ષત્રે.
(27) મોક્ષ-અષ્ટાપદપર, મોક્ષતપ-૬ ઉપવાસ અને મોક્ષાસન-પદ્માસન.
(28) મોક્ષ – ૧૦૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર – પુન્ડરિક આદિ- ૮૪.
(30) શ્રી અજિતનાથ પ્રભુ નું અંતર – ૫૦ લાખ કરોડ સાગરોપમ.

 

 

 

Leave a comment