તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (સિદ્ધિગિરિ) તીર્થ

8

|| તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (સિદ્ધિગિરિ) તીર્થ ||

(શ્રીઆદીશ્વર ભગવાન)

તારે તે તીર્થ. તીર્થને પ્રવર્તાવે તે તીર્થંકર. આવાં તીર્થોંમાં સૌરાષ્ટ્રના ભાવનગરથી 48 કિ.મી. દૂર અને શિહોરથી 29કિ.મી. દૂર આવેલું શ્રી શત્રુંજય તીર્થ એ પ્રાયઃ શાશ્વતું તીર્થ ગણાય છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર અને માનવ-સંસ્કૃતિના આદિ સ્થાપક શ્રીઋષભદેવ ભગવાન આ તીર્થમાં પૂર્વ નવ્વાણું વાર સમોસર્યા હતા. ચોવીસ તીર્થંકારોમાંથી શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ત્રેવીસ તીર્થંકારોએ આ તીર્થ પરથી વિશ્વને જૈનધર્મનો મંગલકારી સંદેશ આપ્યો હતો. મંદિરોની મહાનગરી જેવું શત્રુંજય તીર્થ એ આગમમાન્ય પ્રાયઃ શાશ્વત સિદ્ધક્ષેત્ર છે. એના મૂળનાયક શ્વેતવર્ણીય પધમાસનસ્થ શ્રી આદીશ્વર ભગવાન છે. ગિરિરાજની ઊંચાઈ 1640 ફૂટ છે અને એના પરનો ગઢ વિસ્તાર વીસએકરમાં પથરાયેલો છે. એની નવ ટૂંકોમાં 108 મોટાં દેરાસર અને 872 નાની દેરીઓ આવેલી છે અને સાતેક હજાર જેટલી જિન પ્રતિમા છે. વિશ્વમાં કોઈ પણ સ્થળે આટલી બધી પ્રતિમાજી નહિ મળે અને એ જ રીતે આટલી ઊંચાઈએ આટલી વિપુલ સંખ્યામાં કમનીય કારીગરી ધરાવનારાં દેરાસરો જગતમાં મળશે નહીં.પ્રાચીન સમયમાં આ તીર્થ પર ભગવાન ઋષભદેવના ગણધર પુંડરિક સ્વામી મોક્ષે પધાર્યા હતા તેથી એને પુંડરિકગિરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 108 નામ ધરાવતા આ મહાતીર્થનો અવસર્પિણી કાળમાં સોળ વાર જીર્ણોદ્ધાર થયો. આ તીર્થ ની એક યાત્રા એકસો યાત્રા આવે છે. તળેટીથી શિખર સુધી પહોંચવાનો રસ્તો સવા બે માઈલનો તથા 3750 પગથિયાં ધરાવતો છે. કશાય રાજયાશ્રય વિના કે મજૂરો પાસે વેઠ કરાવ્યા વિના લોકસમૂહની ધર્મભાવનાથી થયેલું આ તીર્થ જગતમાં અજોડ ગણાય

========================================================

પાલીતાણા – જૈનોનું એક પવિત્ર અને શાશ્વત તીર્થ સ્થાન . આ તીર્થ નો મહિમા અવર્ણીય છે . આ તીર્થ પર અનંતા આત્માઓ મોક્ષે ગયા અને હજુ પણ અનંતા આત્માઓ મોક્ષ પ્રાપ્ત કરશે . તેથી જ તો આ ચોવીશી ના ત્રેવીસ તીર્થંકરો થી આ તીર્થ પાવન થયેલ છે . ઉપરાંત પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુ આ તીર્થ પર પૂર્વ નવાણું વાર પધારી તીર્થ ને મહિમાવંતુ કર્યું છે . આ તીર્થ નો એક વાર સાક્ષાત્કાર થાય એટલે સમજવું કે આપનો મોક્ષ પાક્કો . કારણકે આ તીર્થના દર્શન ફક્ત ભવ્ય(જેઓ ભવાંતરમાં ક્યારેક પણ મોક્ષ પ્રાપ્ત કરવાના છે) આત્મા ઓને જ પ્રાપ્ત થાય છે .

આ તીર્થ ના મૂળનાયક શ્રી આદીશ્વર દાદા ને ભેટવા માટે 2000 ફુટ ની ઉંચાઈ અને 3500 જેટલા પગથીયા ચઢવા પડે છે . આ તીર્થ પર 9 ટુંક આવેલી છે . નવ ટુંક માં નરશી કેશવજી ની ટુંક(વિક્રમ સં 1921, મુળનાયક – શાંતિનાથ પ્રભુ), ચૌમુખજીની ટુંક(વિક્રમ સં 1675, મુળનાયક – આદિનાથ પ્રભુ ), છીપવસહીની ટુંક(વિક્રમ સં 1791, મુળનાયક – આદિનાથ પ્રભુ ), સાકારવસહીની ટુંક(વિક્રમ સં 1893, મુળનાયક – ચિંતામણી પાર્શ્વનાથપ્રભુ ),નંદીશ્વર ની ટુંક(ઇ.સ.1893, મુળનાયક – ચંદ્રાનન પ્રભુ),હેમવસહીની ટુંક(ઇ.સ.1886,મુળનાયક – આદિનાથ પ્રભુ),પ્રેમવસહીની ટુંક(ઇ.સ.1843, મુળનાયક – આદિનાથ પ્રભુ ),બલાવાસહીની ટુંક(ઇ.સ.1893, મુળનાયક-આદિનાથ પ્રભુ ),મોતીશાહની ટુંક(ઇ.સ.1893, મુળનાયક-આદિનાથ પ્રભુ ) .
આ તીર્થ નો અત્યાર સુધીમાં 16 વખત જીર્ણોદ્ધાર થયેલ છે .

1). સૌ પ્રથમ જીર્ણોદ્ધાર ભગવાન આદિનાથ ના પુત્ર ચક્રવર્તી ભરત મહારાજાએ કરાવ્યો હતો.
2). બીજો જીર્ણોદ્ધાર રાજા દંદાવીર્યએ કરાવ્યો હતો.
3). ત્રીજો જીર્ણોદ્ધાર પ્રથમ અને બીજા તીર્થંકર ની વચ્ચે ના સમયમાં શ્રી ઈશાનેશ્વર દ્વારા થયો હતો.
4). ચોથો જીર્ણોદ્ધાર ચોથા દેવ લોક ના ઇન્દ્ર (મહેન્દ્ર) દ્વારા થયો હતો.
5). પાંચમો જીર્ણોદ્ધાર પાંચમાં દેવ લોક ના ઇન્દ્ર(બ્રહ્મેન્દ્ર) દ્વારા થયો હતો.
6). છઠ્ઠો જીર્ણોદ્ધાર ભવનપતિ દેવ લોક ના ઇન્દ્ર(ચમ્રેન્દ્ર) દ્વારા થયો હતો.
7). સાતમો જીર્ણોદ્ધાર બીજા તીર્થંકર શ્રી અજીતનાથ પ્રભુના સમયમાં બીજા ચક્રવર્તી શ્રી સાગર ચક્રવર્તી દ્વારા થયો હતો.
8). આઠમો જીર્ણોદ્ધાર ચોથા તીર્થંકર શ્રી અભિનંદન પ્રભુના સમયમાં શ્રી વ્યન્તારેન્દ્ર દ્વારા થયો હતો.
9). નવમો જીર્ણોદ્ધાર આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સમયમાં રાજા શ્રી ચન્દ્રયાશા દ્વારા થયો હતો.
10). દસમો જીર્ણોદ્ધાર સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુના સમયમાં તેમનાં જ પુત્ર શ્રી ચક્રધરે કરાવ્યો હતો.
11). અગિયારમો જીર્ણોદ્ધાર વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત પ્રભુના સમયમાં શ્રી રામચંદ્ર અને લક્ષ્મણજીએ કરાવ્યો હતો.
12). બારમો જીર્ણોદ્ધાર બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં પાંચ પાંડવોએ કરાવ્યો હતો.
13). તેરમો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 108માં મહુવા નિવાસી શેઠ શ્રી જાવેદ શાહ એ કરાવ્યો હતો.
14). ચૌદમો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 1213માં કુમારપાળ મહારાજાના સલાહકાર બાહડ એ કરાવ્યો હતો.
15). પંદરમો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 1371માં સમરશાહ એ કરાવ્યો હતો.
16). સોળમો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 1587માં વૈશાખ વદ છઠ્ઠ ના રોજ ચિતોડ ના શ્રી કરમશાહે કરાવ્યો હતો..
તે સિવાય શ્રી રાજા સમ્પ્રતિ, રાજા વિક્રમાદિત્ય,રાજા અમ, ખંભાતના શ્રી તેજપાલ સોની અને આણંદજી કલાયાણજીની પેઢી દ્વારા અવારનવાર જીર્ણોદ્ધાર થતા રહે છે.

========================================================

|| તીર્થંકર, પરમાત્મા વિભૂતિઓમાં શ્રેષ્ઠ છે અને શત્રુંજ્ય ગિરિરાજ તીર્થોમાં શ્રેષ્ઠ છે ||

પરમાત્મા શ્રી તીર્થંકર ભગવંતો જો ધર્મપ્રવર્તકોની દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે, તો તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્યગિરિરાજ તીર્થોની દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. કેમ કે તીર્થંકર પ્રભુ જેવી વિભૂતિ સમગ્ર સૃષ્ટિમાં કોઈ નથી અને તીર્થાધિરાજ શત્રુંજ્યગિરિ જેવું કોઈ તીર્થ સમગ્ર સૃષ્ટિમાં કોઈ નથી!!

તીર્થંકરપ્રભુ અને તીર્થાધિરાજ વચ્ચે કરવી હોય તો ઘણી બધી મજેદાર સરખામણીઓ થઈ શકે. જેમ કે શ્રી તીર્થંકર પ્રભુ સ્વયંબુદ્ધ છે અર્થાત્‌ કોઈનાય ઉપદેશ વિના સ્વયં બોધ પામનાર છે, તો શત્રુંજ્ય ગિરિરાજ સ્વયંશુદ્ધ છે એટલે કે પરાપૂર્વથી એ આપોઆપ જ પવિત્ર છે. એની પરમ પવિત્રતાથી આકર્ષાઈને જ અગણિત આરાધકોએ આ તીર્થાધિરાજ પર કર્મક્ષયકારક સાધના સામે પગલે આવીને કરી છે. તીર્થંકર પ્રભુનો આત્મા પરોપકારરસિક હોવાથી પરાર્થવ્યસની ગણાય છે, તો તીર્થાધિરાજ શત્રુંજ્યગિરિ પણ અનાદિકાળથી અગણિત જીવો માટે દુર્ગતિનિવારક-સદ્‌ગતિસહાયક-પરમગતિપ્રદાયક બનતો હોવાથી પરાર્થવ્યસની કહી શકાય છે. તીર્થંકર પ્રભુ એમના સંપર્કમાં આવનારને સંસારપાર ઉતારતા હોવાથી તારક ગણાય છે, તો શત્રુંજ્ય મહાતીર્થ પણ એના સંપર્કમાં આવનારને ભવસાગર પર ઉતારતું હોવાથી તારક કહેવાય છે. આવી તો કેટકેટલી સરખામણી તીર્થંકરપ્રભુ સાથે આ મહિમાશાલી તીર્થની થઈ શકે.

આપણે એ મહિલાશાલી તીર્થાધિરાજની ભક્તિયાત્રા છ મજાના કલ્પનાશીલ વિશેષણો દ્વારા કરી રહ્યા છીએ. એમાં બીજું વિશેષણ છે સત્ત્વતીર્થ.

સત્ત્વના ઘણા ઘણા અર્થો મળે છે. જેમ કે સત્ત્વ એટલે જીવ-પ્રાણી. આ અર્થસંદર્ભમાં જ ‘જીવદયા’ના પર્યાયરૂપે ‘સત્ત્વાનુકમ્પા’ શબ્દપ્રયોગ થાય છે. સત્ત્વ એટલે ‘પરાક્રમ’ અર્થ થાય, સત્ત્વ એટલે ‘ગંભીર સ્વભાવ’ અર્થ થાય, તો સત્ત્વ એટલે ‘દ્રઢ મનોબળ’ અર્થ પણ થાય. આપણે આ ‘દ્રઢ મનોબળ’ સંદર્ભમાં જ શત્રુંજ્યતીર્થાધિરાજને સત્ત્વતીર્થ તરીકે બિરદાવીએ છીએ.

કારણ કે ગત લેખમાં નિહાળ્યા મુજબ, આ પવિત્ર તીર્થના પાવન પરમાણુઓ જેમ સાધકોને-ભાવિકોને ભાતભાતના મુશ્કેલ શુભ સંકલ્પો કરાવે છે તેમ એ મુશ્કેલ-કઠિન સંકલ્પો સાકાર કરવા કાજેનું દ્રઢ મનોબળ પણ પ્રગટાવી આપે છે. યાદ રહે કે જેની એક યાત્રામાં સાડા ત્રણ હજાર પગથિયા ચડવાના હોય છે તે શત્રુંજ્યમહાતીર્થની નવાણુંયાત્રા નિશ્ચિત સમયમાં કરવાનો સંકલ્પ એક વાત છે અને એ નવાણુંયાત્રા બરકરાર ત્વરિત પૂર્ણ કરવી એ સાવ અલગ વાત છે. ચોવિહાર છટ્‌ઠ (અન્ન-જળ વિનાના સળંગ બે ઉપવાસ) કરીને શત્રુંજ્યગિરિરાજની સાત વાર યાત્રાનો સંકલ્પ એક વાત છે અને તે ચોવિહાર છટ્‌ઠપૂર્વક સાત યાત્રા પરિપૂર્ણ કરવી એ સાવ અલગ વાત છે. સત્ત્વ અર્થાત્‌ દ્રઢ મનોબળ વિના આ બેમાંથી એક પણ બાબત આજના સુખશીલયુગની સુવિધાપ્રેમી વ્યક્તિઓ માટે આસાન નથી. આમ છતાં આ વર્ષ સુધીનો તાજો ઈતિહાસ ગવાહ છે કે પ્રતિવર્ષ હજારો ભાવિક શત્રુંજ્યગિરિની પગપાળા નવાણુંયાત્રાઓ કરે છે અને હજારો ભાવિકો ચોવિહાર છટ્‌ઠ સાથે સાત યાત્રાઓ પણ કરે છે. માનવું જ જોઈશે કે શત્રુંજ્યગિરિરાજના પાવન પરમાણુઓ જ આ ભગીરથ યાત્રાઓ માટે યાત્રાળુઓમાં સત્ત્વનું-દ્રઢ મનોબળનું નિર્માણ કરે છે.

અરે! શત્રુંજ્યગિરિરાજની ઉપરોક્ત બે પ્રકારની યાત્રાઓ તો જૈન સંઘોમાં સર્વત્ર વ્યાપક પ્રસિદ્ધ છે જ. આ ઉપરાંત પણ ભાગ્યવાનો શત્રુંજ્યગિરિનો પાવન યોગ પામીને એવી અવનવી નિરાળી આરાધનાઓ કરે છે કે જેમાં એમની ઊછળતી શત્રુંજ્યભક્તિ ઉપરાંત આ સત્ત્વની દ્રઢ મનોબળની પણ પ્રતીતિ થાય. આ સંદર્ભમાં ટાંકીશું આપણે અમને થયેલ એક ભૂતકાલીન અનુભવ

વિ.સં. ૨૦૬૨. અમારા ગુરુદેવ આચાર્યપ્રવર શ્રી સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજનાં સાન્નિઘ્યમાં સામૂહિક નવાણુંયાત્રા દરમ્યાન અમે પણ નવાણુંયાત્રામાં સામેલ હતા. રોજ બે-બે યાત્રા આનંદપૂર્વક-ભાવપૂર્વક થતી હતી.

એક દિવસની વાત. હિંગળાજહડાથી ઉપરના ભાગનું આરોહણ પૂર્ણ થવા આવ્યું ત્યાં એક યાત્રિકે પગથિયાં પર જ અમને થંભાવીને કહ્યું ‘‘મહારાજશ્રી! માંગલિક સંભળાવો અને આશીર્વાદ આપો.’’ અમે એ કર્યું ખરું. પરંતુ આમ પગથિયાં પર ઊભા રાખી દેવાનો એમનો અવિવેક જરાક ખૂંચ્યો. હિતશિક્ષાની બુદ્ધિથી અમે એમને પ્રશ્ન કર્યો ‘‘આમ એકાએક પગથિયાં પર માંગલિક આશીર્વાદનું કારણ શું?’’ એ યાત્રિકે જે ઉત્તર આપ્યો એનાથી હિતશિક્ષાનો-ટકોરનો વિચાર તો દૂર રહ્યો, તત્ક્ષણ એમના સત્ત્વશીલ પુરુષાર્થને નમન થઈ ગયા. એમણે કહ્યું ‘‘મહારાજશ્રી! આ તીર્થ પર ભગવાનને તો સહુ પગે લાગે છે. પરંતુ મને થોડા માસ પૂર્વે વિચાર આવ્યો કે ભગવાન સુધી લઈ જતાં પ્રત્યેક પગથિયાને પણ પગે લાગવું જોઈએ. મેં પગથિયાને કુલ એક લાખ વાર ખમાસણમ (વિધિપૂર્વક નમન)નો ઉત્તમ ભાવ કર્યો. અત્યારની ક્ષણે મેં એક લાખમી વારનું ખમાસમણ દીઘું અને તુર્ત આપના પર દ્રષ્ટિ ગઈ. એથી મેં માંગલિક-આશીર્વાદ આપવાનું કહ્યું!!’’

આ ઉત્તર શું છે? શત્રુંજ્યગિરિના પાવન સ્પર્શે ભાવિકોમાં પ્રગટતા દ્રઢ મનોબળનો સત્ત્વનો નેત્રદીપક પુરાવો છે…

હવે વિચારીએ ત્રીજું વિશેષણ. એમાં ગિરિરાજ માટે શબ્દપ્રયોગ છે શૌર્યતીર્થ.

શૌર્ય એટલે? પરાક્રમની પરાકાષ્ઠા. આમ ભલે વ્યક્તિ શૂર-વીર-પરાક્રમી હોય, પરંતુ એનું જુંજાર જ્વલંત સામર્થ્ય સામાન્ય યુદ્ધ-સંઘર્ષમાં એટલું નથી પ્રગટતું જેટલું એ ચોતરફથી ઘેરાઈ ગયો હોય ત્યારે પ્રગટે છે. ભારતના રાજપૂતરાજાઓના યુદ્ધ ઇતિહાસમાં એવી ઘણી બાબતો કથાઓ મળે છે કે જેમાં ચોતરફથી ઘેરાઈ ગયેલો રાજા-યોદ્ધો જીવસટોસટનાં ઝનૂનથી યુદ્ધ ખેલીને કાં તો યુદ્ધની વેદી પર પોતાના પ્રાણોની આહૂતિ દઈ દે છે અને કાં તો નિશ્ચિત હારની બાજી જીતમાં પલટાવી દે. ગુજરાતના સ્થાપક વનરાજ ચાવડાના પિતા રાજા જયશિખરી માટે એવી દંતકથા પ્રચલિત છે કે યુદ્ધમાં એ એવા શૌર્યથી ઝઝૂમ્યો કે શિર કપાઈ ગયા પછી ય બે હાથમાં તલવાર સાથેનું એનું ધડ કેટલોક સમય શત્રુઓ સામે લડ્યું હતું. ભલે આ દંતકથા હો, પણ એમાં શૌર્યની રોમાંચક વ્યાખ્યા પ્રતિબંિબિત થાય છે ખરી.

ગુજરાતીમાં એક ઉક્તિ છે કે ‘‘એકે હજાર તો લાખે બિચારા.’’ આ ઉક્તિ એમ જણાવે છે કે ઘેરાઈ ગયેલ શૂરવીર વ્યક્તિ જ્યારે એકલી પણ હજાર જેવી બનીને શત્રુ પક્ષ પર તૂટી પડે છે ત્યારે સામેના લાખ શત્રુઓ ય રાંક-બિચારા બની જતાં હોય છે. ઘણીવાર શૌર્ય કેવી અદ્‌ભુત અને બાજી પલવાટી દે તેવી ચીજ છે એ આ ઉક્તિ પરથી પણ સમજાય છે.

જૈન શાસ્ત્રોએ આ ઠેઠ સુધી ઝઝુમવાની વૃત્તિને-શૌર્યને આત્મસાધના-આરાધના સાથે જોડી દઈને ‘વીર્યાચાર’નો પ્રેરક આદર્શ આપ્યો છે. ‘નાણંમિ.’ શબ્દથી શરૂ થતાં પંચાચાર સૂત્રમાં જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચારની ‘ટુ ધ પોઈન્ટ’ વ્યાખ્યા એકેક યા બે ગાથા દ્વારા પ્રસ્તુત કરાઈ છે. એમાં ‘વીર્યાચાર’નાં નિરૂપણમાં જણાવાયું છે કે ‘જુંજઈ અ જહાથામં, નાયવ્વો વીરિયાયારો.’ મતલબ કે શક્તિ-સામર્થ્યના છેલ્લા અંશ સુધી ઝઝુમવું તે છે વીર્યાચાર.

આ વીર્યાચાર કહો કે શૌર્યવૃત્તિ કહો ઃ અનેક આરાધક આત્માઓએ તીર્થાધિરાજ શત્રુંજ્યગિરિનું સાન્નિઘ્ય પામીને એનો વિકાસ એવો બેજોડ કર્યો છે કે એમની શૌર્યવૃત્તિને સહસા શત શત નમન-વંદન થઈ જાય. એવા અગણિત મુનિરાજોના ઈતિહાસ જૈન શાસ્ત્રોમાં અંકિત છે કે જેમણે પરાકાષ્ઠાના શૌર્યપૂર્વક, મુક્તિપ્રાપ્તિ અર્થે આમરણ અનશન કર્યું હોય. ન અન્ન, ન પાણી, ન ઠંડી-ગરમીનું સંરક્ષણ અને કાળમીંઢ શિલાઓની શય્યા પર મઘ્યાહ્‌નના ભયંકર સૂર્યાતાપ વચ્ચે પણ શયન; આવું સ્વૈચ્છિક બાહ્ય કષ્ટ સ્વીકારીને ભીતરથી અઘ્યાત્મમાં લીન રહેવા દ્વારા એ તમામ સાધકોએ વિપુલ કર્મનિર્જરા અને અંતે મોક્ષનું મહાન લક્ષ્ય હાંસલ કર્યું હતું!! અરે! સંસારત્યાગી મુનિવરોની ક્યાં વાત? એક સંિહની ઘટના પણ એવી નોંધાયેલી છે કે જેણે જાતિસ્મરમ જ્ઞાન થતાં હંિસાનો સર્વથા ત્યાગ કર્યો, અનશન કર્યું અને સદ્‌ગતિની પ્રાપ્તિ ગિરિરાજ પર કરી!!

આપણી આંખ સામેના વર્તમાનની વાતો વિચારીએ તો, નિકટના સમયમાં પણ અનેક શૌર્યકથાઓ આ શત્રુંજ્યગિરિરાજને સંલગ્ન એવી સર્જાઈ છે કે જે આપણાં આંખ-અંતરમાં અહોભાવની અંજન આંજે. એ તમામ નજરસમક્ષની સત્ય ઘટનાઓમાં શિરમોરસ્વરૂપ ઘટના છે દિવંગત આચાર્યપ્રવર શ્રી વિજયઅરિહંતસિદ્ધ સૂરીશ્વરજી મહારાજની.

એ જ્યારે ગૃહસ્થપણામાં પંદરેક વર્ષના હતા ત્યારે ટી.બી.ની અસાઘ્ય કક્ષાની બિમારીનો ભોગ બન્યા હતા. તબીબોએ એમના માટે સ્પષ્ટ જણાવી દીઘું હતું કે આ તરુણ માત્ર થોડા જ દિવસનો મહેમાન છે, તો શત્રુંજ્યયાત્રાની લગનથી આ અવસ્થામાં તેઓ ભાગીને પાલિતાણા આવ્યા ત્યારે કોઈ ધર્મશાળા સંચાલકોએ એમને પ્રવેશ ન આપ્યો ઃ એ ભયથી કે રાત્રે આ અવસાન પામી જાય તો જવાબદાર કોણ? થોડું ચાલવાની ય એમની શક્તિ ન હતી. એ ચાલે તો જાણે જીવતું હાડપંિજર લાગે.

આમ છતાં શ્રી શત્રુંજ્યગિરિરાજ પ્રત્યેની તીવ્ર ભક્તિથી એમણે એ અવસ્થામાં પૂર્વોક્ત ચોવિહાર છટ્‌ઠતપ સાથે ગિરિરાજની સાત યાત્રાનું અપ્રતિમ શૌર્ય દાખવ્યું. મનમાં એ દ્રઢ નિશ્ચય હતો કે ભલે પ્રાણપંખેરુ ઉડી જાય, પણ ચોવિહાર છટ્‌ઠ સાથે સાત યાત્રા તો કરવી જ છે ઃ જાણે કે રોગ સામે એમણે ‘કેસરીયા’ કર્યા!! અસંભવ લાગે તેવું પરિણામ એ આવ્યું કે એમની ચોવિહાર છટ્‌ઠયુક્ત સાત યાત્રા સરસ સંપન્ન થઈ, રોગમાં મંદતા આવી અને શત્રુંજ્યભક્તિમાંથી દીક્ષાના ભાવ પ્રગટ્યા. દીક્ષા લઈને એ ક્રમશઃ આચાર્ય અને ગચ્છનાયકપદે આરૂઢ થયા. આ સમગ્ર કાળ દરમ્યાન તેમણે વારંવાર ચોવિહાર છટ્‌ઠ સાથે ગિરિરાજની સાત સાત યાત્રા જારી રાખી. કહેવાય છે કે આજના યુગમાં સાતયાત્રા સાથેના ચોવિહાર છટ્ઠ સૌથી વઘુ સંખ્યામાં એમણે કર્યા છે!! શૌર્યતીર્થ ગિરિરાજનો આ પ્રભાવ છે કે એનાથી, માંયકાંગલી લાગતી વ્યક્તિ પણ મહારથી સમી શૌર્યવાન બની.

આપણે શૌર્યતીર્થ ગિરિરાજને ભાવનમન કરતાં ગાઈએ કે…

‘‘હે સિદ્ધગિરિ! તુજ દર્શને મુજ આત્મા પાવન થયો,

હે સિદ્ધગિરિ! તુજ દર્શને મુજ સમય મનભાવન થયો’’

Leave a comment