મોક્ષ અને મોક્ષની કલ્પના

|| મોક્ષ ||

“મોક્ષમાં જ્ઞાનનાં તમામ ક્ષેત્રોનું સર્વાંગીણ જ્ઞાન થઇ જાય છે”

શરીરમાંથી આત્માને બાદ કરી દો તો શરીર એકલું કોઇ જ સંવેદન પામી શકતું નથી. આત્માને શરીરથી અલગ કરી દો તો આત્મા સંપૂર્ણ સંવેદન પામી શકે છે. શરીર દ્વારા આત્મા સંવેદન પામે છે તે દૂધમાં નાખેલું પાણી છે. શરીર વિના આત્મા સંવેદન પામે તે પાણી વિનાનું દૂધ છે. મોક્ષમાં આત્મા શરીર વિનાનું સુખ આપે છે. તમે સ્નાન કરો છો ત્યારે તમને મજા આવે છે. સ્નાન કરતી વખતે તમે મીઠાઇ નથી ખાતા, સંગીત નથી સાંભળતા, ચા નથી પીતા અને બીજાં ઘણાં બધાં કામો નથી કરતાં તેમ છતાં તમને મજા તો આવે જ છે. તેમ મોક્ષમાં તમે શરીર સંબંધી કોઇ પ્રવૃત્તિ નથી કરતાં છતાં તમને મજા તો આવે જ છે.

તમે ઊંઘી જાઓ છો ત્યારે શરીરસંબંધી બધી જ પ્રવૃત્તિઓ અટકાવી દો છો છતાં ઊંઘવાની મજા આવે છે કેમ કે તમે બધું છોડી ચૂક્યા છો. મોક્ષમાં બધું છૂટી ગયું છે તેની મજા હોય છે. મોક્ષમાં આત્માની સંપૂર્ણ ચેતના સક્રિય બની જાય છે અને સ્વતંત્ર બની જાય છે. શરીરમાં રહેલો આત્મા, કર્મના અંકુશમાં હોય છે તેથી આત્માની પોતાની શક્તિ દબાઇ જાય છે. શરીર અને કર્મથી અલગ થયેલો આત્મા અનંત સ્વતંત્રતા પામે છે. મોક્ષમાં જ્ઞાનદશા હોય છે. તમે આજે જિજ્ઞાસાભાવે નવું નવું શીખવા અને જાણવા ઉત્સુક રહો છો.

જ્ઞાન વધતું જાય તેમ આત્મવિશ્વાસ વધતો જાય છે. મોક્ષમાં જ્ઞાનનાં તમામ ક્ષેત્રોનું સર્વાંગીણ જ્ઞાન થઇ જાય છે. તમે આજે છ ભાષા જાણી લો છો તો પણ તે સિવાયની દોઢસો ભાષા જાણવાની બાકી રહી જાય છે. મોક્ષમાં જાણવાનું બાકી રહે- તેવું બનતું જ નથી. દરેક ભાષાના દરેક વિષયોની દરેક વિભાગ સાથેની જાણકારી મોક્ષમાં હોય છે. જેવું જ્ઞાનનું તેવું જ અનુભવનું. તમે સતત નવા નવા અનુભવોની ખોજમાં રહો છો. સારા અને સરસ અનુભવનું ભાથું વધતું જાય તેમ જિંદગીની તૃપ્તિ પણ વધતી જાય છે.

મરણની ઘડી સુધી નવા નવા અનુભવો લેતા રહો તો પણ દુનિયાના બધા અનુભવ તમને નહીં મળે. થોડું મળ્યું હશે તો ઘણું બાકી હશે. મોક્ષમાં અનુભવની તમામ સીમારેખાઓ પાર થઇ જાય છે. ક્રિકેટમાં બાઉન્ડરી પાર કરવાથી ચાર કે છ રન મળે છે. મોક્ષમાં બાઉન્ડરી પાર કરો તો સીધા એકસો રન મળે છે. શરીરના સ્તરે તમે સતત કોઇ ચીજનો પીછો કર્યા કરો છો. મોક્ષમાં કોઇ પીછો કરવાનો રહેતો નથી કેમ કે દુનિયા આખી પાછળ રહી જાય છે. તમે સંબંધોના સ્તરે સતત પ્રતિભાવ અને પ્રતિક્રિયાની રમત રમ્યા કરો છો. સમજ અધૂરી હોય છે તેથી નબળા પ્રતિભાવ અને નબળી પ્રતિક્રિયા આવ્યા જ કરે છે.

મોક્ષ પ્રતિભાવ અને પ્રતિક્રિયા વિનાની અસ્તિમતા છે. વ્યક્તિત્વ ખતમ થઇ જાય અને અસ્તિત્વ શેષ રહે તેને મોક્ષ કહે છે. મોક્ષમાં પહોંચીને તમે શું કરી શકો છો તે સમજવા માટે તમે આઠ કર્મોનો અભ્યાસ કરજો. આઠ કર્મએ, આઠ કર્મના એકસો અઠાવન સૈનિકોએ આત્માની આઠ મહાન શક્તિને દબાવી રાખી છે. આ આઠ કર્મ અત્યારે આત્મા પર બેઠાં છે તેને લીધે મોક્ષનું સુખ કેવું હશે તેનું કલ્પનાચિત્ર આત્મા બનાવી નથી શકતો. ધર્મ દ્વારા માનસિક પુરુષાર્થ કરીને તમે આ દિશાના વિચારો શરૂ કરો. મોક્ષ છે, તેવી શ્રદ્ધા બનાવો. મોક્ષમાં શું છે તેની કલ્પના આપોઆપ આવતી જશે.

|| મોક્ષની કલ્પના ||

જ્યાં રાગ નથી, જ્યાં રોષ કે દ્વેષ નથી. આથી જ તો જગતનો એકપણ દોષ નથી.
જ્યાં કાયા નથી આથી જ એની કોઈ માયા કે મમતા નથી.
જ્યાં પાપની છાયા નથી તો દુઃખના પડછાયા નથી.
જ્યાં કર્મની ગુલામી નથી એથી જ કોઈને સલામી કરવાની જરૃર નથી.
જ્યાં જન્મ જ નથી આથી ત્યાં મરણ પણ નથી.
જ્યાં શરીર નથી આથી ખાવા-પીવાની કોઈ વાત જ નથી.

તો મળમૂત્રની કોઈ પંચાત નથી, ત્યાં સંસારના કોઈ ભોગ નથી આથી ત્યાં કોઈ જાતના રોગ નથી.
ત્યાં શોક નથી, થાક નથી, નથી ઉચાટ કે નથી ઉકળાટ, નથી તાપ કે નથી સંતાપ, નાત નથી, જાત નથી તો લગ્નની કોઈ પંચાત નથી.

જ્યાં નથી ઈચ્છા કે નથી રાગ આથી નથી ત્યાં આશાની આગ હા… માત્ર છે ત્યાં ગુણોનો મઘમઘતો બગીચો.
જ્યાં નથી આધિ, વ્યાધિ કે ઉપાધિ આથી જ નથી ત્યાં આંધી કે નથી અંધાધૂંધી.

તો આ મોક્ષ શું છે ? ત્યાં છે માત્ર આત્મ-સુખમાં સદાકાળ માટેની સમાધિ, અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્રમાં રમણતા.

સંસારમાં સર્વ ખરાબ છે આથી જ તે ઝેર જેવો લાગે છે. અસાર લાગે છે. મોક્ષમાં કંઈ જ ખરાબ નથી માટે જ તે અમૃત જેવો મીઠાશ ભર્યો છે.

દિવાળી એ જૈનો માટે તહેવાર નહી પણ પર્વ છે

1  2

|| દિવાળી એ જૈનો માટે તહેવાર નહી પણ પર્વ છે ||

“પાવાપુરીમાં મહાવીરસ્વામી ભગવાનની ૧૬ પ્રહર [૪૮ કલાક] ની અંતિમ દેશના અને નિર્વાણ-કલ્યાણક”

મહાવીરસ્વામી ભગવાન અનેક દેશમાં પગપાળા વિચર્યા. એમણે ઉપદેશનો ધોધ વરસાવ્યો. જેમાં ગરીબો, અમીરો, શ્રમજીવીઓ અને શ્રીમંતો, રાજકુમારો, રાણીઓ, રાજાઓ હતાં, એવા હજારો જીવોને દીક્ષા આપી, અને લાખો લોકોને ધાર્મિક બનાવ્યા. અંતમાં કેવલી પર્યાયના ૩૦ માં, દીક્ષાના ૪૨ માં અને જન્મના ૭૨ માં વર્ષે અંતિમ ચાતુર્માસ અને જીવનનું અંતિમ વર્ષ પૂર્ણ કરવા ભગવાન અપાપાપુરી (પાવાપુરી) પધાર્યા. ત્યાં તેઓશ્રી હસ્તિપાલ રાજાના કારકુનોના સભાખંડમાં ચાતુર્માસ રહ્યા. ચોમાસાનો ચોથો મહિનો (ગુજ.) આસો વદિ અમાવસ્યાએ પોતાનું પરિનિર્વાણ થવાનું હોવાથી ચૌદસ-અમાસના બે નિર્જલ ઉપવાસ (છઠ્ઠ તપ) કર્યા. જગતના કલ્યાણ માટે સુવર્ણકમળ ઉપર પલ્યંકાસને-પદ્માસને બેસી અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. સભામાં ચારેનિકાયના દેવો, ચતુર્વિધ શ્રીસંઘ, કાશી-કોશલ દેશ આદિ જનપદના માન્ય ૧૮ ગણરાજાઓ, તેમજ ગણ્ય-માન્ય અન્ય વર્ગ અને સામાન્ય વર્ગ પણ ઉપસ્થિત હતો. પ્રવચનમાં ભગવાને પુણ્ય-પાપ ફલ વિષયક અધ્યયનો આદિ વર્ણવ્યું. અમાવસ્યાની પાછલી રાતની ચાર ઘડી બાકી રહી ત્યારે સોળ પ્રહર-૪૮ કલાકની અવિરત ચાલેલી પ્રલંબ દેશના પૂરી થતાં જ ભગવાનનો આત્મા શરીર ત્યજી, વેદનીયાદિ ચાર અઘાતી કર્મોનો ક્ષય થતાં, આઠેય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી, ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સ્વાતિ નક્ષત્રમાં ઊર્ધ્વાકાશમાં અસંખ્ય યોજન દૂર રહેલા મુક્તિ-સ્થાનમાં એક જ સમયમાં (એક સેકન્ડનો અસંખ્યાતામો ભાગ) પહોંચી જ્યોતિમાં જ્યોતિરૂપે ભળી ગયો. હવે તેઓ જન્મ-મરણથી મુક્ત થયા. તમામ બંધનો, દુઃખો, સંતાપોથી રહિત બની સર્વસુખના ભોક્તા બન્યા. આ મહાન આત્માએ ગત જન્મમાં કરેલી સાધના અને અંતિમ જન્મમાં કરેલી મહાસાધનાના ફળરૂપે અભીષ્ટ-પરમોચ્ચ એવા સિદ્ધિપદને મેળવ્યું. સોળ પ્રહર પ્રભુ દેશના કંઠે વિવર વર્તુળ મધુર ધ્વની સુરનર સુણે તિણે ગળે તિલક અમુલ નિર્વાણ સમયે સોળ પ્રહર (૪૮ કલાક) સુધી સતત દેશના આપી જેઓએ અપરંપાર કરુણા વરસાવી એવા મારા તમારા અને સમસ્ત જીવમાત્ર નાં ઉપકારી ચરમ શાસનપતિ શ્રી મહાવીરસ્વામી ભગવાન નું નિર્વાણ (મોક્ષ) કલ્યાણક ઉજવવાનો અનેરો અવસર …. કલ્યાણક શબ્દજ સૂચવે છે કે ભગવાન નું નિર્વાણ સર્વ જીવો માટે કલ્યાણકારી છે. નિર્વાણ એટલે ભાવ દીપક ગયો અને એના સંભારણા રૂપે સહુએ દ્રવ્ય દીપક પ્રગટાવ્યો. યાદ રાખજો દિવાળી એ જૈનો માટે તહેવાર નહી પણ પર્વ છે

|| દિવાળી ||

દિવાળી એ તમામ તહેવારોનો સરતાજ છે.
દિવાળી એ તહેવારોનું સ્નેહસંમેલ છે.
દિવાળી એક એવું પંચામૃત છે જેમાં જીવન ઉત્થાનના મહાન તત્વો જડીબુટ્ટી બનીને ભળી ગયેલા છે.
દિવાળી એ તહેવારોનો એવો મુગટ છે જેમાં જીવનવિકાસ માટેના મહત્વના સિદ્ધાંતોના મૂલ્યવાન રત્નો જડવામાં આવ્યા છે
દિવાળી એ એક એવું પટોળું છે જેમાં જીવનને ઘડનારી કઈ કેટલીય બાબતોનાં તાણાવાણા અને રંગો ભાતીગળ ભાત પાડે છે.
આમ દિવાળી પાંચ ઉત્સવોનું મધુર મિલન છે.
ટૂંકમાં દિવાળી એ એવો ઉત્સવ છે કે જેની ઉજવણી માણસને આખા વર્ષના જોમ અને ઉત્સાહનું ભથું બાંધી આપે છે

|| દિવાળીનું આધ્યાત્મિક મહત્વ ||

દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ” તરીકે જાણીતો છે. તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, “મનના પ્રકાશની જાગૃતિ”. સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે. અને તેને આત્મા કહેવાય છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, જેને જાણવાથી અંધકાર પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) આવે છે. દિવાળી પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે તેમ છતાં આ તમામનો સાર એકસરખો છે. આંતરિક પ્રકાશ (આત્મા) નો આનંદ લેવો અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય…

|| જૈન ધર્મમાં દિવાળીનું મહત્વ ||

“શ્રી મહાવીર સ્વામી નિર્વાણનો મહોત્સવ એટલે દીપાવલી અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન એટલે નૂતન વર્ષ“
જૈન પરંપરામાં તીથઁકરના જીવનના પાંચ મહત્વના પ્રસંગો કલ્યાણક દિવસ તરીકે ખૂબ ભક્તિભાવપૂર્વક ઊજવાય છે. આ પાંચ પ્રસંગો છે- ચ્યવન (માતાના ગર્ભમાં જીવનો પ્રવેશ), જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ. ચોવીસમા તીથઁકર શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ દિવસ આસો વદ અમાસને જૈન સમુદાય દીપકોની હારમાળા પ્રગટાવીને નિર્વાણ મહોત્સવ તરીકે ખૂબ આસ્થાથી ઊજવે છે. આ દિવસે તેમનો ઉત્સાહ અનેરો હોય છે. આ દિવસે દેરાસરોમાં મહાવીર સ્વામીની મૂર્તિને ભવ્યાતભિવ્ય આંગી કરવામાં આવે છે અને ભાવિકજનો ખૂબ ભક્તિભાવપૂર્વક તેમની આરાધના કરે છે.

આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં શ્રી વીરે બિહારની પાવાપુરી નગરીમાં આસો વદ અમાસની રાત્રિના છેલ્લા પહોરે શેષ ચાર અઘાતી કર્મોનો વિનાશ કર્યા પછી, કાયાનો અત્યંત વિયોગ કરીને પોતાના પૌદ્ગલિક દેહનો ત્યાગ કર્યો અને શાશ્વત મુક્તિસમું નિર્વાણ પ્રાપ્ત કર્યું. એ સમયથી ભારત અને વિદેશમાં વસતા તમામ જૈનો આ દિવસને દીપકોની હારમાળા પ્રગટાવીને દીપોત્સવી પર્વ તરીકે ઉત્સાહથી ઊજવે છે.

પોતાના કઠોર સાધનાભર્યા દીક્ષિત જીવનના એ બેંતાલીસમા અને અંતિમ ચાતુમૉસ દરમિયાન આસો માસના અંતિમ દિવસોનો સમય ચાલતો હતો ત્યારે કેવળજ્ઞાની શ્રી વીરે પોતાનું જીવનકાર્ય તેમજ આયુષ્ય પૂર્ણ થતાં, અંતકાળ નજીક આવી રહ્યાનું જાણીને પોતાની અંતિમ દેશના (ઉપદેશ) આપવાનું શરૂ કર્યું. શ્રી વીરનો ધર્મ તો સૌ કોઈ માટે હતો. તેમના અનુયાયીઓમાં બ્રાહ્નણ, ક્ષત્રિય, વૈશ્ય, કૃષિકાર, લુહાર, સુતાર, વણકર, માળી એમ વિવિધ વર્ગોનાં સ્ત્રી-પુરુષ હતાં. વળી શ્રી વીરે આ વર્ગોનાં ઉપાસકો ઉપરાંત ચાંડાળ, ચોર, ડાકુ, ગણિકા વગેરે લોકોને સદ્ધર્મનો બોધ પમાડીને દીક્ષા આપેલ.

આ તમામ ઉપાસકો તેમજ મલ્લ અને લિંચ્છવી ગણોના રાજાઓ શ્રેષ્ઠિઓના સમૂહ સમક્ષ શ્રી વીરે બે દિવસના નિર્જળા ઉપવાસ તેમને હોવા છતાં લગાતાર સોળ પ્રહર સુધી અમૃતમય વાણીમાં, જીવનનાં સાર્થકયને લગતી દેશના આપવાનું ચાલુ રાખ્યું. અમાવાસ્યાની રાત્રિનો અંતિમ પ્રહર ચાલી રહ્યો હતો ત્યારે ધીમે ધીમે તેમના હલનચલનમાં સ્થિરતા આવવા લાગી. થડકાટ બંધ થઈ ગયો, સ્વર ધીમે ધીમે કરતા અટકી ગયો. એક એક અંગ અચેતન બનતું ચાલ્યું અને આકાશી ગોખે જ્યારે સ્વાતિ નક્ષત્ર ચળકી રહ્યું હતું ત્યારે શ્રી વીરે પોતાના પૌદ્ગલિક દેહનો ત્યાગ કરીને શાશ્વત મુક્તિના પંથે પ્રયાણે કર્યું. તેમના નિર્વાણ પછીથી અપાપાનગરી, પાવાપુરી નામે ઓળખાઈને પ્રસિદ્ધિ પામી.

સમગ્ર વિશ્વના તમામ જીવો પ્રત્યે અપાર કરુણા ધરાવતા, તપ-ત્યાગ-અહિંસા-અપરિગ્રહ અને અનેકાન્તવાદના પ્રણેતાની વિદાયથી શ્રુતજ્ઞાનનો પ્રજજવલિત દીપક બુઝાઈ ગયો. તેની કમી પૂરવા માટે ત્યાં ઉપસ્થિત અસંખ્ય ઉપાસકોએ ઘીના અગણિત દીપક પ્રગટાવીને અમાસની અંધકારઘેરી રાત્રિને પ્રકાશથી ઝળહળતી કરી. સેંકડો વર્ષોથી દીપાવલીના પાવન અવસરે આ નિર્વાણસ્થળ આસપાસ નિર્વાણ મહોત્સવનો મેળો ભરાય છે. ભાવિક યાત્રગિણ પ્રભુના ગુણગાન ગાતાં ગાતાં રાત્રિ પસાર કરે છે અને પ્રભુના નિર્વાણ સમય મળસકે પ્રભુને નિર્વાણ લાડુ અર્પણ કરીને જીવનની કૃતકૃત્યતા અનુભવે છે.

જૈન સમુદાય માટે દીપોત્સવી પછીનો નૂતન વર્ષનો દિવસ ખૂબ મહત્વ ધરાવે છે. શ્રી વીરના પ્રથમ અને પરમ શિષ્ય ગૌતમ સ્વામીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાનો આ મંગળ દિવસ હોઈ, ભાવિકજનો આ દિવસને ખૂબ ભક્તિભાવ અને ઉત્સાહથી ઊજવે છે. મહાવીર સ્વામીના પ્રિય શિષ્ય ગૌતમ ગણધરને તેમના ગુરુ પ્રત્યે અત્યંત રાગયુક્ત મોહ હોવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થવામાં વિલંબ સર્જાતો હતો. આથી શ્રી વીર પ્રભુએ પોતાના પૌદ્ગલિક દેહનો ત્યાર કરતાં પહેલાં શિષ્યના કલ્યાણને નજર સમક્ષ રાખીને પોતાના પ્રત્યેનું રાગબંધન તોડાવવા માટે ગૌતમ સ્વામીને દેવશર્મા નામના બ્રાહ્નણને પ્રતિબોધ આપવા માટે દૂર મોકલી આપેલ. ગૌતમ ગણધર બોધ આપીને પરત આવે તે પહેલાં વીર પ્રભુના નિર્વાણના સમાચારથી આઘાત અનુભવીને ગૌતમ ગણધર તત્વનો વિચાર કરતાં કરતાં કેવળજ્ઞાનને વર્યા. આમ દીપોત્સવી અને નૂતન વર્ષ એમ બંને દિવસ પ્રત્યેક જૈન માટે સાધના, આરાધના અને ઉત્સવનો દિવસ બની રહે છે.

મનમંદિરનાં ખૂણે ખૂણેથી કચરો સાફ કરીને એટલેકે જૂના વર્ષમાં કરેલી ભૂલો, ખરાબ અને ખોટાં કરેલાં કાર્યો ને યાદ કરીને, અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને ફરી પાછા શુધ્ધતા અને નવા જ્ઞાન સાથે આવનાર ભવિષ્યની જીંદગી માટે સુસજ્જ બનવું. જીવનમાં જે પણ મળ્યું હોય તે બદલ શ્રી તિર્થંકર ભગવંતોનો આભાર માની નવા દિવ્ય ભાવિ માટે શ્રી તિર્થંકર ભગવંતોને પ્રાર્થના કરવી. અને તે માટે શ્રીગણેશ, મા લક્ષ્મી, મા સરસ્વતીની ઉપાસના કરવી. અંતરને ઉજાગર બનાવવું. જીવનની દરેક પ્રકારની કડવાશ દૂર કરીને આવનાર જીવનને મીઠાશથી ભરી દેવું

 

દીપાવલી એટલે તહેવારોનું સ્નેહ સંમેલન

A  Bpng  Cpng  D  E

“દીપાવલી એટલે તહેવારોનું સ્નેહ સંમેલન”

દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ.દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ.. કાળીચૌદશ.. દિવાળી.. નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.

ધનતેરસ :

ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ. જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી. કળીયુગમાં તો આજે ધન ભેગું કરવા માટે આંધળી દોટ મુકાય છે. આડા અવડા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે વિનાશ નોંતરે છે. લક્ષ્મી પૂજન કરવાનું પ્રયોજન એટલા માટે છે કે જેનાથી આપણા ધનનો સદઉ૫યોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને.. જો દાન, પુણ્ય કરી ૫રો૫કારના કાર્યમાં લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરીશું તો આપણા ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે તેમાં કોઇ શંકા નથી.

ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ છે. દેવો અને દાનવો જ્યારે સમુદ્રમંથન કરી રહ્યા હતા ત્યારે ચૌદ મૂલ્યવાન ચીજો મળી હતી. તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત. આસો વદ તેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરી અમૃતકળશ હાથમાં લઈને પ્રગટયા હતા તેથી જ તે દિવસને ધનતેરસ તરીકે ઓળખાવા લાગ્યો.

લક્ષ્‍મી માતા વિશે ૫ણ એક કથા છે કે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું. જેથી આ વર્ષો દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય. જ્યારે લક્ષ્મીજીના શાપનો સમય પૂર્ણ થયો ત્યારે ભગવાન વિષ્ણુ તેમને લેવા માટે આવ્યા, પરંતુ ખેડૂતે તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે તો હું તમારા ઘરમાં નિવાસ કરીશ. તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે.

ધનતેરસ એટલે લક્ષ્‍મીપૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિએ લક્ષ્‍મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી. લક્ષ્‍મીને મા સમજી તેમને પૂજ્ય માનેલ છે. ખિસ્તી ધર્મનું વિધાન છે કે સોઇના કાણામાંથી ઉંટ ૫સાર થાય ૫ણ શ્રીમંતને સ્વર્ગ ના મળે.. આ વાક્ય સાથે ભારતીય વિચારધારા સહમત નથી, ભારતીય દ્દષ્‍ટિએ તો શ્રીમંતો ભગવાનના લાડકા દિકરા છે, ગયા જન્મના યોગભ્રષ્‍ટ જીવાત્માઓ છે. !! શુચિનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્‍ટોડભિજાયતે !!

લક્ષ્‍મી ચંચળ નથી ૫ણ લક્ષ્‍મીવાન મનુષ્‍યની મનોવૃત્તિ ચંચળ થાય છે. વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે. લક્ષ્‍મીને ભોગપ્રાપ્‍તિનું સાધન સમજનારનું ૫તન થાય છે. વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્‍મી… સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત… ૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્‍મી… અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્‍મી…!

કાળીચૌદશ :

કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણા પર્વ કહેવામાં આવે છે, એવું કહેવાય છે કે આજના દિવસે મહાકાળી તેમના ભક્તોના દુર્ગુણો હણીને તેમને સદગુણી..સદાચારી બનાવે છે. મહાકાળીનું સ્વરૂપ રૌદ્ર છે તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે. મનુષ્યમાં રહેલા કુવિચારો.. દુર્ગુણો તેમને જીવન દરમિયાન અને મૃત્ય બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મા કાળી તેમના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે.

કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે. આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે. આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ, સંતોને તેમના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખતો. ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી, પરંતુ અપહરણ કરાયેલી કન્યાઓએ કહ્યું કે હવે સમાજમાં કોઈ અમારો સ્વીકાર નહીં કરે, ત્યારે શ્રીકૃષ્ણએ તે સોળ હજાર કન્યાઓનાં રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યા હતા. તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. જીવનમાં નરક સર્જનારા આળસ, પ્રમાદ, અસ્વચ્છતા વગેરે અનિષ્‍ટોને જીવનમાંથી દૂર કરવાના છે. ૫રપીડન માટે વ૫રાય તે અશક્તિ… સ્વાર્થ માટે વ૫રાય તે શક્તિ… રક્ષણાર્થે વ૫રાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વ૫રાય તે મહાકાલી કહેવાય છે.

દિવાળી :

દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો શુભ ઉત્સવ સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાય છે. વાસ્તવમાં દિવાળીનો તહેવાર જીવનના અંધકારને દૂર કરી જીવનમાં દિવડા પ્રકટાવવાનું પર્વ છે. સમગ્ર વર્ષનું સરવૈયુ કાઢવાનો દિવસ છે. દિવાળીના દિવસે આપણે સરવૈયુ કાઢવું જોઇએ. રાગ- દ્વેષ, વેર-ઝેર, ઇર્ષ્‍યા-મત્સર તથા જીવનમાંની કટુતા દૂર કરવી જોઇએ.

દિવાળીના દિવસે લક્ષ્‍મીપૂજન કરવામાં આવે છે. લક્ષ્મી પૂજન એટલા માટે કરવાનું કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને.જે દાન પુણ્ય કરી લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે છે. પવિત્ર આગણું, પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. દિવાળીના દિવસે માતા લક્ષ્‍મી તરફ પૂજ્ય દ્દષ્‍ટિ કેળવવાની છે. દિવાળીએ ૧૪ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (દિપ= દીવડો અને આવલી= હારમાળા)

દિવાળી એટલે “મનના પ્રકાશની જાગૃતિ” સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કંઇક છે કે જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે તે આત્મા જેને જાણવાથી અંધકારમય જીવનમાં પ્રકાશ પથરાય છે. જીવનમાંની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આત્માની અનુભૂતિ થતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરૂણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ આવે છે. આનાથી આનંદ.. આંતરિક ઉલ્લાસ તથા શાંતિ આવે છે.

દિવાળીના દિવસે બહાર દીવા તો સળગાવવાના છે ૫રંતુ સાથે સાથે દિલમાં ૫ણ દિવો પ્રગટાવવો જોઇએ. દિલમાં જો અંધારૂં હશે તો બહાર હજારો દિવા સળગાવવા છતાં ફાયદો થતો નથી. દિવો એ જ્ઞાનનું પ્રતિક છે. મોહ અને અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનું છે.

નૂતન વર્ષ (બેસતું વર્ષ) :

બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલીને દુશ્મનનું ૫ણ સારૂં ઇચ્છવાનું છે તથા આગામી નૂતન વર્ષ માટે સારા સંકલ્પો કરવાના છે. ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આવતા વર્ષે પૂરા કરીશું તેવા સંકલ્પો કરવાનો છે… વિતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને દૂર કરવાનો તથા તેને પૂરા કરવા માટે વડીલોનો આર્શિવાદ મેળવવવાનો દિવસ છે.

આજે માનવે માનવને મારવાની શોધ કરી છે,નૈતિક મૂલ્યોનું અધઃ૫તન થયું છે. માણસ મંગળ સુધી પહોંચ્યો છે, પરંતુ માનવ-માનવ વચ્ચેનું અંતર દિવસે દિવસે વધી રહ્યું છે. તેથી આ નૂતન વર્ષની મીઠાશને માણી શકતાં નથી.

પોતાના સુધાર માટે આપણા મનની સ્થિતિ ખૂબ જ મહત્વની છે. મન જ આપણો મિત્ર અને શત્રુ છે. જ્યારે આપણે કોઈ નવીન સંકલ્પ લઈએ છીએ ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નવા વર્ષે જુની આદતો, ખરાબ વિચારો અને ખરાબીઓને છોડી દઈને સુધરવાનો સંકલ્પ કરવાનો છે.

બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે અને આ દિવસ થી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે.

ભાઇબીજ :

આ દિવસને બલિ પ્રતિપ્રદા ૫ણ કહેવાય છે. બલીરાજા દાનવીર હતા. આજના દિવસે તેમના સદગુણોને યાદ કરવાનો દિવસ છે. આજના દિવસે આપણે ખરાબ માણસોમાં રહેલા સારા ગુણોને જોવાના છે. ભાઇબીજના દિવસે સ્ત્રીઓ તરફ જોવાની ભદ્ર દ્દષ્‍ટિ કેળવવાની છે તથા તમામ સ્ત્રીઓને બહેન/માતા માનવાની છે.બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ દિવસ છે. બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. આજના દિવસે જે ભાઇ બહેનને ત્યાં જમે છે તેનું મોત કમોતે થતું નથી.

સર્વે ભવન્તુ સુખિન:સર્વે સન્તુ નિરામયા

નૂતન વર્ષમાં સહુ સુખી-સમૃદ્ધ બને…સહુ શાંતિમય જીવન જીવે…એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વનું શુભ થાઓ…નૂતન વર્ષના આ નવલા પ્રભાતે ઉત્સાહ અને ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો.

નૂતનવર્ષાભિનંદન ….!

શુભ દીપાવલી

AA

|| શુભ દીપાવલી ||

દિપ+અવલી સંધિ પરથી દિપાવલી શબ્દ બન્યો છે. દીપ એટલે દિવો અને આવલી એટલે હારમાળા. દીપોની હારમાળા એટલે દિપાવલી.
ભારતમાં દિવાળી ખુબ જ જોરશોર અને ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે. દિવાળીને પર્વોનો રાજા પણ કહેવામાં આવે છે. વાઘ બારસથી લઈને ભાઈબીજ સુધી તહેવારોની આ પ્રક્રિયા ચાલુ રહે છે.

|| કેમ ઉજવાય છે દિવાળી ||

કહેવાય છે કે દિવાળીનાં દિવસે જ ભગવાન શ્રીરામ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યા પાછા આવ્યા હતા. તેનો આનંદ અયોધ્યાવાસીઓમાં સમાતો નહોતો. આગમનની તૈયારીનાં ભાગરૂપે અમાસની અંધારી રાત્રે ઘીના દિવા પ્રગટાવી પ્રજાએ આવકાર આપ્યો હતો. દીવા સુશોભિત થતા જ જાણે અમાસની રાત પૂનમની જેમ રોશનીથી ઝગમગી ઉઠી હતી.

|| આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ ||

આ માટે અલગ અલગ કથાઓ અને દંતકથાઓ છે.

દિવાળીના તહેવારનું પોતાનું આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ખાસ સમુહનો ન હોઈને આખા રાષ્ટ્રનો તહેવાર બની ગયો છે.

* એક કથા અનુસાર સમુદ્રમંથનમાંથી લક્ષ્મી અને ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. તેના સંદર્ભે પણ લક્ષ્મીપૂજન કરીને સમૃદ્ધ જીવનની કામના કરવામાં આવે છે.

* એક કથા અનુસાર કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને કુદરતી આફતથી બચાવવા માટે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો, તેથી વ્રજવાસીઓ

* દિવાળીના દિવસે માટી અને ગાયના છાણનો ગોવર્ધન પર્વત બનાવી તેની પૂજા કરે છે, સાથે સાથે આજના દિવસે તેઓ ગાય, બળદને સારી રીતે શણગારે છે અને તેની પૂજા કરે છે

* ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ જ્યારે ચૌદ વર્ષના વનવાસ પછી રાવણને હરાવીને પાછા અયોધ્યા ફર્યા હતાં ત્યારે શ્રી રામના આગમનમાં પુરાયે અયોધ્યામાં લોકોએ દિવડા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી ભારતમાં દિપાવલી નું પર્વ હર્ષોલ્લાસ અને દિવાના પ્રકાશથી ઊજવવામાં આવે છે.

* આ કથા પણ પ્રચલિત છે જ્યારે શ્રી કૃષ્ણએ આતતાઈ નરકાસુર જેવા દુષ્ટનો વધ કર્યો હતો ત્યારે વ્રજના લોકોએ ઘીના દીવડા પ્રગટાવીને પોતાની ખુશી જાહેર કરી હતી.

* રાક્ષસોનો વધ કરવા માટે મા દેવીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. રાક્ષસોનો વધ કર્યા બાદ પણ જ્યારે મહાકાળીનો ક્રોધ શાંત ન થયો ત્યારે ભગવાન શિવ તેમના ચરણોની નીચે સુઈ ગયાં હતાં. ભગવાન શિવના શરીરના સ્પર્શ માત્રથી જ મહાકાળીનો ક્રોધ શાંત થઈ ગયો હતો. તેમની આ યાદ સ્વરૂપે શાંતિની પ્રતિક દેવી લક્ષ્મીની પૂજાની શરૂઆત થઈ છે. આ જ રાત્રે તેમના રૌદ્ર રૂપ મહાકાળીની પુજાનું પણ મહત્વ છે.

* મહાપ્રતાપી અને દાનવીર રાજા બલીએ પોતાના બળ દ્વારા ત્રણેય લોક પર વિજય મેળવી લીધો ત્યારે દેવતાઓની પ્રાર્થના કરવા પર વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને પ્રતાપી રાજા બલી પાસેથી ત્રણ પગલા પૃથ્વી દાન સ્વરૂપે માંગી લીધી. મહાપ્રતાપી રાજા બલીએ ભગવાન વિષ્ણુની ચાલાકીને સમજવા છતાં પણ યાચકને નિરાશ ન કરતાં તેમને ત્રણ પગલાં પૃથ્વી દાનમાં આપી દીધી. વિષ્ણુએ ત્રણ પગમાં ત્રણેય લોકોને માપી લીધા અને તેઓ રાજા બલીની દાનશીલતાથી પ્રભાવિત થઈને તેમને પાતાળ લોકના રાજા બનાવી દીધા અને સાથે સાથે તેમને તે પણ આશ્વાસન આપ્યુ કે તેમની યાદ સ્વરૂપે ભૂલોકવાસી દર વર્ષે દિવાળી ઉજવશે.

* કારતકની અમાવસના દિવસે શીખોના છઠ્ઠા ગુરૂ હરગોવિન્દસિંહજી બાદશાહ જહાગીરની કેદથી મુક્ત થઈને અમૃતસર પાછા ફર્યા હતાં.

* બૌધ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમ બુધ્ધના સમર્થકો તેમજ અનુયાયિઓએ 2600 વર્ષ પહેલાં ગૌતમ બુધ્ધના સ્વાગત માટે હજારો લાખો દિવડા પ્રગટવીને દિવાળી ઉજવી હતી.

* સમ્રાટ વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક દિવાળીના દિવસે થયો હતો. એટલા માટે દિવા પ્રગટાવીને ઉત્સવ ઉજવવમાં આવ્યો હતો.

* અમૃતસરના સુવર્ણ મંદિરનું નિર્માણ પણ દિવાળીના દિવસે કરવામાં આવ્યું હતું.

* દીન-એ-ઈલાહીના પ્રવર્તક મુગલ સમ્રાટ અકબરના શાસનકાળમાં દૌલતખાનાની સામે 40 ગજ ઉંચો એક મોટો આકાશદીપ દિવાળીના દિવસે લગાવ્યો હતો. બાદશાહ જહાંગીર પણ દિવાળી ખુબ જ ધામધુમથી ઉજવતાં હતાં.

|| દિવાળી અને પરંપરા ||

દિવાળીના પર્વ સાથે ચોપડા પૂજન કરવાની પણ બહુ જૂની પરંપરા છે. વેપારીઓ આજના દિવસે ચોપડા પૂજન કરે છે અને નવા ચોપડા ખરીદે છે. દિવાળીના દિવસે વહેલી સવારે અને સાંજે ઘરને દીવાઓથી શણગારવામાં આવે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના સાથે લક્ષ્મીજીનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. તદુપરાંત ઘરના આંગણામાં રંગોળી પૂરવાની પણ બહુ જૂની પ્રથા છે.

|| દિપાવલીની શુભકામનાઓ ||

દીપોત્સવી પર્વ ભારતમાં અનેક વર્ષોથી પ્રકાશ અને પ્રગતિના સોપાન રૂપે ઉજવાતું રહ્યું છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જનારું પર્વ એટલે દિવાળી. જેમ ઋતુઓની રાણી વર્ષા તેમ તહેવારોનો રાજા એટલે દિવાળી. દિવાળી એટલે પ્રકાશનું પર્વ. વિતેલા વર્ષનાં લેખાં – જોખાં કાઢવાનું અને નવા વર્ષનું રંગેચંગે સ્વાગત કરવાનું પર્વ. નાનું અમથું માટીનું કોડિયું તેલ અને દિવેટનો સાથ લઈ દિપકનું રૂપ ધારણ કરી પૂજનીય બને છે, બરાબર એ જ રીતે આપણામાં માણસાઈના દિવા પ્રગટે એમાં જ માણસની ગરિમા છે. દિવાળી એ અંતરમાં ઉજાસ પાથરવાનું પર્વ છે. સ્વયં પ્રકાશ બની જીવતરને અજવાળવાનું પર્વ છે.

”ચોતરફ ભલે હો અંધકાર, દીપ પ્રગટાવીએ,
આપણે જ આપણા આભને અજવાળીએ.”

દિવાળીને વધાવવા રંગોળી પૂરીએ, મીઠાઈઓ ખાઈએ, ફટાકડા ફોડીએ, ઘરને દર્પણ જેવું કરીએ ……તો પછી દિલમાં દિવો કરવાનું કેમ ભૂલાય ! ઘેર ઘેર પ્રગટતા દિપકોનું આહવાન છે કે એક વાર દિલમાં દિવો પ્રગટાવો પછી જુઓ દિપમાલાની એક શૃંખલા સદાય તમને ઝળાહળા રાખશે. દિલના કમાડને હંમેશા ઉઘાડા રાખીએ. દિલથી કોઈનું દિલ જીતવું એટલે જ દિવાળી ! માનવજીવનમાં દિલ અને દિમાગમાં દીવા પ્રગટાવવાના છે પણ_સ્નેહના, ક્ષમાના, દયાના, શીલના, સંયમના, જ્ઞાનના, સંપના, સદભાવના અને સેવાભાવના ના દીવા. જ્યાં જ્યાં અવિદ્યારૂપી આસુરી સંપત્તિનો અંધકાર છે ત્યાંથી તેને દૂર કરવાનો છે. અને નવા પ્રકાશને પ્રગટાવવાનો છે.

”જો જરા, અંધકારને અળગો કરી,
જ્યોત ભીતરમાં રહી છે ઝળહળી”