મોક્ષ અને મોક્ષની કલ્પના

|| મોક્ષ ||

“મોક્ષમાં જ્ઞાનનાં તમામ ક્ષેત્રોનું સર્વાંગીણ જ્ઞાન થઇ જાય છે”

શરીરમાંથી આત્માને બાદ કરી દો તો શરીર એકલું કોઇ જ સંવેદન પામી શકતું નથી. આત્માને શરીરથી અલગ કરી દો તો આત્મા સંપૂર્ણ સંવેદન પામી શકે છે. શરીર દ્વારા આત્મા સંવેદન પામે છે તે દૂધમાં નાખેલું પાણી છે. શરીર વિના આત્મા સંવેદન પામે તે પાણી વિનાનું દૂધ છે. મોક્ષમાં આત્મા શરીર વિનાનું સુખ આપે છે. તમે સ્નાન કરો છો ત્યારે તમને મજા આવે છે. સ્નાન કરતી વખતે તમે મીઠાઇ નથી ખાતા, સંગીત નથી સાંભળતા, ચા નથી પીતા અને બીજાં ઘણાં બધાં કામો નથી કરતાં તેમ છતાં તમને મજા તો આવે જ છે. તેમ મોક્ષમાં તમે શરીર સંબંધી કોઇ પ્રવૃત્તિ નથી કરતાં છતાં તમને મજા તો આવે જ છે.

તમે ઊંઘી જાઓ છો ત્યારે શરીરસંબંધી બધી જ પ્રવૃત્તિઓ અટકાવી દો છો છતાં ઊંઘવાની મજા આવે છે કેમ કે તમે બધું છોડી ચૂક્યા છો. મોક્ષમાં બધું છૂટી ગયું છે તેની મજા હોય છે. મોક્ષમાં આત્માની સંપૂર્ણ ચેતના સક્રિય બની જાય છે અને સ્વતંત્ર બની જાય છે. શરીરમાં રહેલો આત્મા, કર્મના અંકુશમાં હોય છે તેથી આત્માની પોતાની શક્તિ દબાઇ જાય છે. શરીર અને કર્મથી અલગ થયેલો આત્મા અનંત સ્વતંત્રતા પામે છે. મોક્ષમાં જ્ઞાનદશા હોય છે. તમે આજે જિજ્ઞાસાભાવે નવું નવું શીખવા અને જાણવા ઉત્સુક રહો છો.

જ્ઞાન વધતું જાય તેમ આત્મવિશ્વાસ વધતો જાય છે. મોક્ષમાં જ્ઞાનનાં તમામ ક્ષેત્રોનું સર્વાંગીણ જ્ઞાન થઇ જાય છે. તમે આજે છ ભાષા જાણી લો છો તો પણ તે સિવાયની દોઢસો ભાષા જાણવાની બાકી રહી જાય છે. મોક્ષમાં જાણવાનું બાકી રહે- તેવું બનતું જ નથી. દરેક ભાષાના દરેક વિષયોની દરેક વિભાગ સાથેની જાણકારી મોક્ષમાં હોય છે. જેવું જ્ઞાનનું તેવું જ અનુભવનું. તમે સતત નવા નવા અનુભવોની ખોજમાં રહો છો. સારા અને સરસ અનુભવનું ભાથું વધતું જાય તેમ જિંદગીની તૃપ્તિ પણ વધતી જાય છે.

મરણની ઘડી સુધી નવા નવા અનુભવો લેતા રહો તો પણ દુનિયાના બધા અનુભવ તમને નહીં મળે. થોડું મળ્યું હશે તો ઘણું બાકી હશે. મોક્ષમાં અનુભવની તમામ સીમારેખાઓ પાર થઇ જાય છે. ક્રિકેટમાં બાઉન્ડરી પાર કરવાથી ચાર કે છ રન મળે છે. મોક્ષમાં બાઉન્ડરી પાર કરો તો સીધા એકસો રન મળે છે. શરીરના સ્તરે તમે સતત કોઇ ચીજનો પીછો કર્યા કરો છો. મોક્ષમાં કોઇ પીછો કરવાનો રહેતો નથી કેમ કે દુનિયા આખી પાછળ રહી જાય છે. તમે સંબંધોના સ્તરે સતત પ્રતિભાવ અને પ્રતિક્રિયાની રમત રમ્યા કરો છો. સમજ અધૂરી હોય છે તેથી નબળા પ્રતિભાવ અને નબળી પ્રતિક્રિયા આવ્યા જ કરે છે.

મોક્ષ પ્રતિભાવ અને પ્રતિક્રિયા વિનાની અસ્તિમતા છે. વ્યક્તિત્વ ખતમ થઇ જાય અને અસ્તિત્વ શેષ રહે તેને મોક્ષ કહે છે. મોક્ષમાં પહોંચીને તમે શું કરી શકો છો તે સમજવા માટે તમે આઠ કર્મોનો અભ્યાસ કરજો. આઠ કર્મએ, આઠ કર્મના એકસો અઠાવન સૈનિકોએ આત્માની આઠ મહાન શક્તિને દબાવી રાખી છે. આ આઠ કર્મ અત્યારે આત્મા પર બેઠાં છે તેને લીધે મોક્ષનું સુખ કેવું હશે તેનું કલ્પનાચિત્ર આત્મા બનાવી નથી શકતો. ધર્મ દ્વારા માનસિક પુરુષાર્થ કરીને તમે આ દિશાના વિચારો શરૂ કરો. મોક્ષ છે, તેવી શ્રદ્ધા બનાવો. મોક્ષમાં શું છે તેની કલ્પના આપોઆપ આવતી જશે.

|| મોક્ષની કલ્પના ||

જ્યાં રાગ નથી, જ્યાં રોષ કે દ્વેષ નથી. આથી જ તો જગતનો એકપણ દોષ નથી.
જ્યાં કાયા નથી આથી જ એની કોઈ માયા કે મમતા નથી.
જ્યાં પાપની છાયા નથી તો દુઃખના પડછાયા નથી.
જ્યાં કર્મની ગુલામી નથી એથી જ કોઈને સલામી કરવાની જરૃર નથી.
જ્યાં જન્મ જ નથી આથી ત્યાં મરણ પણ નથી.
જ્યાં શરીર નથી આથી ખાવા-પીવાની કોઈ વાત જ નથી.

તો મળમૂત્રની કોઈ પંચાત નથી, ત્યાં સંસારના કોઈ ભોગ નથી આથી ત્યાં કોઈ જાતના રોગ નથી.
ત્યાં શોક નથી, થાક નથી, નથી ઉચાટ કે નથી ઉકળાટ, નથી તાપ કે નથી સંતાપ, નાત નથી, જાત નથી તો લગ્નની કોઈ પંચાત નથી.

જ્યાં નથી ઈચ્છા કે નથી રાગ આથી નથી ત્યાં આશાની આગ હા… માત્ર છે ત્યાં ગુણોનો મઘમઘતો બગીચો.
જ્યાં નથી આધિ, વ્યાધિ કે ઉપાધિ આથી જ નથી ત્યાં આંધી કે નથી અંધાધૂંધી.

તો આ મોક્ષ શું છે ? ત્યાં છે માત્ર આત્મ-સુખમાં સદાકાળ માટેની સમાધિ, અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્રમાં રમણતા.

સંસારમાં સર્વ ખરાબ છે આથી જ તે ઝેર જેવો લાગે છે. અસાર લાગે છે. મોક્ષમાં કંઈ જ ખરાબ નથી માટે જ તે અમૃત જેવો મીઠાશ ભર્યો છે.

Leave a comment