જૈન ધર્મ

1

|| જૈન ધર્મ ||

આ જૈન શબ્દ નો અર્થ સુ થાય છે.મિત્રો જે વ્‍યક્તિ “જીન”નો અનુયાયી હોય તે “જૈન” કહેવાય.આ શબ્દ “જી” ધાતુ પરથી બન્યો છે.”જી” એટલે જીતવું.”જીન” એટલે જીતનાર.જેણે પોતાનું મન જીતી લીધું,પોતાની વાણી જીતી લીધી અને પોતાની કાયા જીતી લીધી તે વ્યક્તિ એટલે “જીન”.જૈન ધર્મ એટલે “જીન” ભગવાનનો ધર્મ.
જૈન ધર્મ બે સંપ્રદાય (૧) શ્વેતાંબર અને (૨) દિગંબર માં વિસ્તૃત થયેલ છે.

શ્વેતાંબર ની સંધી છૂટી પાડતા તે બને છે શ્વેત+અંબર.અર્થાત જેણે શ્વેત અંબર,સફેદ વસ્ત્ર ને ધારણ કર્યા છે તે શ્વેતાંબર.લગભગ 300 વર્ષ પહેલા શ્વેતાંબરોમાંથી એક નવો સંપ્રદાય જન્મ્યો. તે સંપ્રદાય હતો “સ્થાનકવાસી”.આ લોકો મૂર્તિ પૂજા નથી કરતા. જૈનોમાં તેરાપંથી, વીસપંથી, તારણપંથી, યાપનીય જેવા કેટલાક અન્ય સંપ્રદાયો પણ છે.અને દિગંબર ની સંધી છૂટી પાડતા તે બને છે

દિગ+અંબર.દિગ એટલે દિશા અને દિશા જ અંબર છે. એટલે જેમણે વસ્ત્રો નો ત્યાગ કર્યો છે તે દિઅગમ્બર કહેવાયા.પરંતુ મૂળ ઉદ્દેશ બંને નો સમાન છે. વસ્ત્રો અને ધર્મ ને શું લાગે ? પણ હકીકત એ છે કે શ્વેત વસ્ત્ર ધારણ કરવાનો અર્થ થાય છે જીવન ને પણ નિર્મળ બનાવો.પાપ કર્મો થી દુર રહી જીવન ને શ્વેત વસ્ત્ર ની જેમ સ્વચ્છ રાખો અને નિર્વસ્ત્ર રહી ને ઉદ્દેશ આપવામાં આવે છે કે પાપ કર્મો નો ત્યાગ કરો.

આમ બંને નો મૂળ ઉદ્દેશ જીવન ને ઉત્તમ બનાવાનો છે.જૈન ધર્મના બધા જ સંપ્રદાયોમાં થોડો ઘણો વિચારભેદ હોવા છતાય તેઓ બધા જ ભગવાન મહાવીર, અહિંસા, સંયમ અને અનેકાંતવાદમાં સમાન વિશ્વાસ ધરાવે છે.

જૈન ધર્મ માં ભક્તામર સ્ત્રોત અને નવકાર મંત્ર નું ઘણું મહત્વ છે.

જૈન પરંપરામાં અતિ વિશ્રુત ભક્તામર સ્ત્રોતના રચયિતા છે માનતુંગાચાર્ય. તેમનો જન્મ વારાણસીમાં ‘ઘનિષ્ઠ’ શ્રેષ્ઠિને ત્યાં થયો હતો. તેમણે અજીતસુરીની પાસેથી શિક્ષા લીધી હતી. ગુરૂની પાસેથી કેટલીયે ચમત્કારીક વિદ્યાઓ તેમને પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ તેઓ આચાર્ય બન્યાં. પોતાના સમયના તેઓ પ્રભાવિક આચાર્ય થયા હતાં.

ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતાં હતાં. તે વખતે ધર્માવલંબી પોતાના ધર્મનો ચમત્કાર બતાવી રહ્યાં હતાં. ત્યારે મહારાજા ભોજે શ્રી માનતુંગાચાર્યને આગ્રહ કર્યો કે તમે મને ચમત્કાર બતાવો. આચાર્ય મૌન થઈ ગયાં. ત્યારે રાજાએ અડતાલીસ તાળાઓની એક શ્રૃંખલામાં તેમને બંધ કરી દિધા. માનતુંગાચાર્યએ તે વખતે આદિનાથ પ્રભુની સ્તુતિ પ્રારંભ કરી. જેમ જેમ શ્લોક બનાવીને તેઓ બોલતાં ગયાં તેમ તેમ તાળા તુટતાં ગયાં. બધાએ આને ખુબ જ આશ્ચર્ય માન્યું. આ આદિનાથ-સ્ત્રોતનું નામ ભક્તામર સ્ત્રોત પડ્યું. જે જૈન સમાજ માટે ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને ખુબ જ શ્રદ્ધાયુક્ત માનવામાં આવે છે.

સાધના વિધિ- ભક્તામર સ્ત્રોત વાંચવાનો સૌથી સારો સમય સુર્યોદયનો છે. વર્ષ દરમિયાન સતત વાંચવાનું શરૂ કરવું હોય તો શ્રાવણ, ભાદરવો, કારતક અને પોષ કે મહા મહિનામાં શરૂ કરો. તિથિ પુર્ણા, નંદા અને જયા હોવી જોઈએ રિક્તા ન હોવી જોઈએ.

જૈન ધર્મનો પરમ પવિત્ર અને મૂળ મંત્ર છે-

णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं।
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं॥

એટલે કે અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર અને બધા જ સાધુઓને નમસ્કાર આ પાંચ પરમેષ્ઠી છે.

જૈન ધર્મ ના ભગવાન ને તીર્થકર કહેવામાં આવે છે.જ્યારે મનુષ્ય જ ઉન્નત્તિ કરીને પરમાત્મા બની જાય તો તે તીર્થકર કહેવાય છે. બીજી રીતે જોઈએ તો તીર્થકર કહેવાય છે ઘાટને, કિનારાને તો ધર્મ તીર્થનું પ્રવર્તન કરનારા તીર્થકર કહેવાય છે. જ્યારે કે અવતાર તો પરમાત્માના, ઈશ્વરના પ્રતિક રૂપ માનવામાં આવે છે જે સમયે સમયે તેમના રૂપમાં જન્મ લે છે.

જૈન ધર્મ અનુસાર 24 તીર્થકર છે. પહેલાં તીર્થકર ઋષભનાથજી છે તો ચોવીસમા મહવીર સ્વામી. ઋષભનાથને આદિનાથ, પુષ્પદંતને સુવિધિનાથ અને મહાવીરને વર્દ્ધમાન, વીર, અતિવીર અને સન્મનિત પણ કહેવાય છે. ૧) ઋષભનાથ ૨) અજીતનાથ ૩) સમભવનાથ ૪) અભિનંદનસ્વામી ૫) સુમતિનાથ ૬) પદ્મપ્રભુ ૭)સુપાર્સ્નાથ ૮) ચંદ્રપ્રભુ ૯) પુષ્પદંત ૧૦) શીતલનાથ ૧૧) શ્રેયાન્શનાથ ૧૨)વાસુપૂજ્યસ્વામી ૧૩) વિમલનાથ ૧૪) અનંતનાથ ૧૫) ધર્મનાથ ૧૬) શાંતિનાથ ૧૭) કુંથુનાથ ૧૮) અરનાથ ૧૯) મલ્લીનાથ ૨૦) મુનીસુવ્રતસ્વામી ૨૧) નમિનાથ ૨૨) નેમિનાથ ૨૩) પાર્શ્વનાથ ૨૪) મહાવીરસ્વામી.

હવે જાણીએ ૧૦૮ મણકા ની માળા નું રહસ્ય.

પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ્યા છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-

જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ ૧૦ હજાર ૮૦૦ શ્વસનની કલ્પના કરવામાં આવી છે. તેથી સમાધિ અને જપ દરમિયાન પણ આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે. જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને ૧૦૮ જપ તો કરવા જ જોઈએ.

૧૦૮ ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક માનવામાં આવે છે. ૯ નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે જેથી કરીને વિષ્ણુ સહિત ૧૨ સૂર્ય કે આદિત્ય છે. બ્રહ્મના ૯ અને આદિત્યના ૧૨ આ રીતે તેમનો ગુણાકાર ૧૦૮ થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.

માનવ જીવનની ૧૨ રાશિઓ છે. આ રાશીઓ ૯ ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ ૧૦૮ થાય છે.

આકાશમાં ૨૭ નક્ષત્ર છે. આના ૪-૪ પાદ કે ચરણ છે. ૨૭ નો ૪ સાથે ગુણાકાર કરવાથી ૧૦૮ થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ ૧૦૮ મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા ૧૦ હજાર ૮૦૦ છે અને બે શુન્યને દૂર કરવા પર ૧૦૮ થાય છે.

શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં ૧૦ હજાર ૮૦૦ ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ ૧૦૮ જ બચે છે.

જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં ૧૦૮ મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના ૨૭ આ રીતે પંચ પરમિષ્ઠના કુલ ૧૦૮ ગુણ હોય છે.

હવે વાત કરીએ મૂળ અત્યારે જૈન બંધુઓનો જે પવિત્ર પર્વ ચાલી રહ્યો છે તેની.પર્યુષણ પર્વ.

જૈન ધર્મના લોકો ભાદરવા માસમાં પર્યુષણનું પર્વ ઉજવે છે. શ્વેતાંબર સંપ્રદાયના પર્યુષણ ૮ દિવસ ચાલે છે. ત્યાર બાદ દિગંબર સંપ્રદાયના લોકો ૧૦ દિવસ પર્યુષણ મનાવે છે. તેને તેઓ દસલક્ષણના નામથી પણ સંબોધે છે.

પર્યુષણ પર્વ ઉજવવાનો મૂળ ઉદેશ્ય પોતાની આત્માને શુધ્ધ કરવા માટે જરૂરી ઉપક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હોય છે.

આત્માને પર્યાવરણના પ્રત્યે તટસ્થ કે વીતરાગ બનાવ્યા વિના શુધ્ધ સ્વરૂપ આપવું શક્ય નથી. આ દ્રષ્ટીથી કલ્પસૂત્ર કે તત્વાર્થ સૂત્રનું વાંચન અને વિવેચન કરવામાં આવે છે અને સંત-મુનિઓ અને વિદ્વાનોના સાનિધ્યમાં સ્વાધ્યાય કરવામાં આવે છે.

પૂજા, અર્ચના, આરતી, સમાગમ, ત્યાગ, તપસ્યા, ઉપવાસમાં વધારેમાં વધારે સમય પસાર કરવામાં આવે છે અને દૈનિક વ્યાવસાયિક તેમજ સાવદ્ય ક્રિયાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંયમ અને વિવેકનો પ્રયોગ કરવાનો અભ્યાસ ચાલતો રહે છે.

મંદિર, ઉપાશ્રય, સ્થાનક તેમજ સમવશરણ પરિસરમાં વધારે સમય રહેવાનું જરૂરી માનવામાં આવે છે. આમ તો પર્યુષણનો પર્વ દિવાળી અને ક્રિસમસની જેમ ઉલ્લાસ અને આનંદનો તહેવાર નથી. છતાં પણ તેનો પ્રભાવ આખા સમાજમાં જોવા મળે છે.

ઉપવાસ, બેલા, તેલા, અઠ્ઠાઈ, માસખમણ જેવા લાંબા કંઇ પણ ખાધા પીધા વિના નિર્જળ ઉપવાસ કરનાર હજારો લોકો સરાહના મેળવે છે. ભારત સિવાય બ્રિટન, અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, જાપાન, જર્મની તેમજ અન્ય અનેક દેશોમાં પણ પર્યુષણનું પર્વ ધુમધામથી ઉજવવામાં આવે છે.

પરંતુ પર્યુષણ પર્વ પર ક્ષમત્ક્ષમાપણું કે ક્ષમાવાણીનો કાર્યક્રમ એવો છે કે જેનાથી જેનેતર જનતાને ખુબ જ પ્રેરણા મળે છે. આની સામુહિક રૂપથી વિશ્વ મૈત્રી દિવસના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે. પર્યુષણ પર્વની પૂર્ણાહૂતિ પર આની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી કે ઋષી પંચમી કે ગણેશ વિસર્જન ના દિવસે સંવત્સરી પર્વ ઉજવવામાં આવે છે.

તે દિવસે લોકો ઉપવાસ કરે છે અને પોતાના પાપોની આલોચના કરતાં ભવિષ્યમાં તેમનાથી બચવાની પ્રતિજ્ઞા કરે છે. તેની સાથે જ તે ચોર્યાસી લાખ યોનીઓમાં વિચરણ કરી રહેલા બધા જ જીવોથી ક્ષમા માંગતાં એવું સુચિત કરે છે કે તેમનું કોઇનાથી કોઇ પણ પ્રકારનું વેર નથી. પરોક્ષ રૂપે તેઓ એવો સંકલ્પ કરે છે કે તેઓ પર્યાવરણમાં કોઇ જ હસ્તક્ષેપ નહી કરે.

મન, વચન અને કાયાથી જાણતાં અને અજાણતાં તે કોઇ પણ હિંસાની ગતિવિધિમાં પોતે પણ ભાગ નહી લે અને બીજા લોકોને પણ ભાગ લેવાનું નહી કહે અને જેઓ તેમાં ભાગ લેશે તેને પણ સમર્થન નહી આપે. આ આશ્વાસન આપવા માટે તેમનું કોઇનાથી કોઇ પણ પ્રકારનું વેર નથી. તેઓ એવું પણ ઘોષિત કરે છે કે તેઓએ વિશ્વના બધા જ જીવોને ક્ષમા કરી દીધા છે. અને તે જીવોને ક્ષમા માંગનારાઓથી ડરવાની જરૂરત નથી.

ખામેમિ સચ્ચે જીવા, સચ્ચે જીવા ખમંતુ મે. મિત્તિમે સચ્ચ ભુએસ વૈરં મમઝ ન કેણઈ. આ વાક્ય પરંપરાગત જરૂર છે પરંતુ ખાસ મહત્વ રાખે છે. તેને અનુસાર ક્ષમા માંગવા કરતાં ક્ષમા આપવી ખુબ જ જરૂરી છે.

ક્ષમા કરવાથી તમે અન્ય બધા જ જીવોને અભયદાન આપો છો અને તેમની રક્ષા કરવાનો સંકલ્પ કરો છો ત્યારે તમે વિવેક અને સંયમનું અનુસરણ કરશો, આત્મિક શાંતિ અનુભવશો અને બધા જ જીવો અને પદાર્થો પ્રત્યે મૈત્રી ભાવ રાખશો. આત્મા ત્યારે જ શુધ્ધ રહી શકે છે જ્યારે તે પોતાનાથી બહાર હસ્તક્ષેપ ના કરે બહારના તત્વોથી વિચલીત ન થાય. ક્ષમા-ભાવ તેનો મૂળ મંત્ર છે.

પર્યુષણ પર્વ ના અંતિમ દિવસે જૈનબંધુઓ સામાયિક ખાસ કરે છે.આમ તો અખા વર્ષ દરમિયાન સામાયિક કરવામાં આવે છે.આ સામાયિક નું મહત્વ દોષ ને દુર કરવાનું છે.

અને પર્યુષણ પર્વ ને અંતે સર્વે મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા યાચના પ્રાર્થે છે.મિચ્છામી એટલે મહ ઈચ્છા મહી એટલે કે મેં ઈચ્છા થી કે અજાણતા માં જ કોઈક પ્રકારનું દુ:ખ આપ્યું હોય તો ક્ષમા માંગું છુ.અને એ સાથે જૈન બંધુઓના પર્યુષણ પર્વ નો અંત થાય છે.

આમ પર્યુષણને જૈન બંધુઓ એક તહેવાર ની જેમ ઉજવે છે.ઘણા લોકો માં ગેરમાન્યતા પ્રવર્તે છે કે પર્યુષણ પર્વ એ જૈનો ના નવા વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે ઉજવાય છે પરંતુ જૈનોનું નવું વર્ષ તો દિવાળી જ હોય છે નહિ કે પર્યુષણ પર્વ.

આમ જૈન ધર્મ નો મુખ્ય ઉદ્દેશ છે પ્રેમ અને દયા.સર્વ પ્રાણીસૃષ્ટિ ને એટલો જ પ્રેમ કરો જેટલો ખુદ ને કરો છો અને સર્વ પ્રત્યે દયાભાવ રાખો.

 

One thought on “જૈન ધર્મ

Leave a comment