નવરાત્રી અને દશેરા

1    2

|| નવરાત્રી ||

“ગરવી ગુજરાતનો ગૌરવવંતો ઉત્સવ”

નવરાત્રી ઉત્‍સવ એટલે નવ રાતોનો મહોત્‍સવ, નવરાત્રી એટલે ગુજરાતની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે.‘જયાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત‘ કવિની આ કાવ્‍ય પંક્‍તિને અનુરૂપ ફક્‍ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જયાં જયાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેંક પહોંચાડી દીધી છે. નવરાત્રી આદ્યશક્તિ મા અંબાની ઉપાસનામાં ઉજવવામાં આવે છે. જેનાં ઘણાં રૂપો છે. દેવી એ શક્તિનું રૂપ છે. જે બુરાઇનો નાશ કરે છે. શિવની પત્‍ની પાર્વતીનાં પણ ઘણાં રૂપો છે. નવરાત્રીના નવ દિવસ દેવી-દેવતાઓને પ્રસન્‍ન કરવા માટે પૂજાપાઠ અને ચંડીપાઠ કરવામાં આવે છે.

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્‍થિતા
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

નવરાત્રી એ એકતા અને અસત્‍ય પર સત્‍યનો વિજયનો પ્રતીકરૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્‍સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે. જે તમોગુણ, બીજો રજો ગુણ અનેત્રીજો ગુણ સત્‍વગુણ .આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ મા શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદ્ભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્‍ય પર સત્‍યની જીતના પ્રતીક રૂપે વિજયા દશમી તહેવાર ઉજવવામાં આવે છે.

નવરાત્રિ એક એવો તહેવાર છે જેમાં માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ મા દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતાં માતાનું સ્થાન ઊંચું હોય છે. પિતા કરતાં માતાનું મહત્ત્વ પણ વધુ હોય છે. માતા એ જનની છે. બાળકનુ પાલન-પોષણ કરે છે. માતા જ બાળકને સંસ્કાર પણ આપે છે. તેવી જ રીતે હિન્દુ ઘર્મમાં પણ માતાની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે.

ૐ શક્તિ ૐ શક્તિ ૐ શક્તિ ૐ
બ્રહ્મ શક્તિ, વિષ્ણુશક્તિ શિવશક્તિ ૐ
આદિશક્તિ મહાશક્તિ પરાશક્તિ ૐ
ઇચ્છાશક્તિ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ ૐ

ગુજરાતમાં નવરાત્રી ઉત્‍સવ આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી ઉજવાય છે અને આસો સુદ 10 વિજયાદશમી ને દિવસે માતાજીને વિદાય અપાય છે. પરંતુ દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી હોય છે –

ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9
અષાઢ સુદ 1 થી અષાઢ સુદ 9
આસો સુદ 1 થી આસો સુદ 9
મહાસુદ 1 થી મહાસુદ 9

આ ચારે નવરાત્રીઓમાં દેવી સંપ્રદાય વાળા એક સરખી રીતે ભક્‍તિ ઉપાસના કરે છે, પરંતુ આ ચારેયમાં બે નવરાત્રીઓનું મહત્‍વ વધુ છે – ચૈત્ર સૂદ 1 થી ચૈત્ર સુદ 9, આસો સુદ 1 થી આસો સુદ 9.
યોગાનુયોગ આ બન્ને નવરાત્રી દરમિયાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નો ઉલ્લેખ થાય છે. ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રી રામનો પ્રાર્દૂભાવનો દિવસ. અને દેવી ભાગવત અનુસાર આસો સુદ 1 થી આસો સુદ 9 ના દિવસોમાં ભગવાન શ્રીરામે આદ્યશક્‍તિ માતાની ઉપાસના કરીને વિજયાદશમીને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્ર તટથી પ્રયાણ કર્યું હતું.

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્‍સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે નૃત્ય અને ભક્તિનો અનોખો મેળ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાત જેવા ગરબા કયાંય રમાતા નથી. નવરાત્રીના તહેવારની રાહ ગુજરાતીઓ જ નહિ, પરંતુ તેમની સાથે વસતા અન્‍ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્‍સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓને ઘેલા કરી મુકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું એ એક અણમોલ લ્‍હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે મનભરીને માણે છે.

દર વર્ષે ઉજવાતી નવરાત્રીના સંગીત, નૃત્‍ય, પોશાકમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતાની સાથે નવરાત્રીની પરંપરા અને સંસ્‍કૃતિ પણ અકબંધ રહે છે.

ગુજરાત ‘નવરાત્રી જ્યાં જીવન તહેવારોના રૂપે જીવાય છે.’ ઉજવે છે. આ નવ દિવસ દરમિયાન નૃત્‍ય અને સંગીતની ધૂમ ચાલે છે. નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્‍ય, સમૃદ્ધ ઇતિહાસ, સંસ્‍કૃતિ, પરંપરાની ઝાંખી કરાવે છે. નવરાત્રી દરમિયાન પ્રવાસીઓ એક ઉજળા, સુંદર, ધાર્મિક અને પવિત્ર ગુજરાતની છાપ લઈને જાય છે.

|| નવરાત્રીનું પૌરાણિક મહત્વ ||

પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો. ત્યાર બાદ તેને વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો. આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધાં ગભરાઈ ગયાં અને તેઓ ભગવાન શિવ પાસે ગયાં. શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે.

બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યાં અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું. ત્યાર બાદ દેવી શક્તિએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુધ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો. તેથી દેવી શક્તિને મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખાય છે. ત્યાર બાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ.

આ સિવાય એક બીજી દંતકથા પણ નવરાત્રી સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુધ્ધ કરવા માટે નીકળ્યાં તે પહેલા તેમને દેવી શક્તિની ઉપાસન કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું. અને ત્યાર બાદ તેમને નવ દિવસ સુધી રાવણ સાથે યુધ્ધ કરીને દશમા દિવસે યુધ્ધમાં તેનો વધ કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયા દશમી ઉજવે છે અને આ પરંપરાને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પુતળુ બનાવીને તેનું દહન કરે છે.

આજે વર્ષો પછી પણ એ જ ઉંમગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયા દશમીની ઉજવણી કરે છે.

જે નવદિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુધ્ધ કર્યું હતું તેને નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખુબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે.

એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમ. આ દિવસે ઠેર ઠેર ખુબ જ મોટા મોટા યજ્ઞો થાય છે. આ દિવસનું મહત્વ ખુબ જ માનવામાં આવે છે.

3

|| દશેરા ||

“દશેરા વિજયપ્રસ્થાનનો ઉત્સવ”

દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો ઉત્સવ. નવરાત્રિના નવ દિવસ જગદંબાની ઉપાસના કરી શક્તિ પ્રાપ્ત કરેલો મનુષ્ય વિજયપ્રાપ્તિ માટે થનગની ઊઠે એ તદ્દન સ્વાભાવિક છે. આ રીતે જોતાં દશેરાનો ઉત્સવ એટલે વિજયપ્રસ્થાનનો ઉત્સવ.

પ્રભુ રામચંદ્રના સમયથી જ આ દિવસ વિજયપ્રસ્થાનનું પ્રતીક બન્યો છે. ભગવાન રામચંદ્રે રાવણને માત કરવા આ જ દિવસે પ્રસ્થાન કર્યું હતું. છત્રપતિ શિવાજીએ પણ ઔરંગઝેબને જેબ કરવા આ જ દિવસે પ્રસ્થાન કરી હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું. આપણા ઇતિહાસમાં આવા અનેક દાખલા છે કે જ્યારે હિન્દુ રાજાઓ આ દિવસે વિજય પ્રસ્થાન કરતા હતા.

ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે. વ્યક્તિ તેમ જ સમાજના લોહીમાં વીરતા પ્રગટે એ માટે તેણે દશેરાનો ઉત્સવ રાખ્યો. જો યુદ્ધ અનિવાર્ય જ હોય તો શત્રુના હુમલાની રાહ જોયા વગર તેના ઉપર ચડાઈ કરી તેનો પરાભવ કરવો એ કુશળ રાજનીતિ છે. શત્રુ આપણે ત્યાં ઘૂસણખોરી કરે, લૂંટફાટ કરે ત્યાર પછી લડવાની તૈયારી કરે એવા આપણા પૂર્વજો નામર્દ નહોતા. તે તો શત્રુની બદદાનત કળી જઈ તેમના સીમાડા પર જ ત્રાટકી પડતા. આ દૃષ્ટિને જોતાં Defence Ministry કરતાં War Ministry નું મહત્વ વધારે ગણાય. રોગ અને શત્રુને ઊગતાં જ ડામવા જોઈએ, એક વાર જો એમનો પગપેસારો થઈ ગયો તો પછી એમના પર કાબૂ મેળવવો મુશ્કેલ બને છે.

બાહ્ય શત્રુઓની માફક આપણા આંતરશત્રુઓ પણ ઘણા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ માનવમાત્રના ષડ્રિપુ છે. આજના વિજયપ્રસ્થાનના શુભ દિવસે એમની ચાલ ઓળખી લઈ એ આપણા પર હુમલો કરે એ પહેલાં આપણે એમના પર હુમલો કરી આપણી સીમમાં આગળ વધતાં અટકાવીએ.

એ જ રીતે આળસ એ પણ આપણો એક મહાન શત્રુ છે. દૃઢ સંકલ્પથી આપણે એ કાયમના શત્રુ ઉપર કાબૂ મેળવીએ.

આજે નૈતિક મૂલ્યો ભયમાં મુકાયાં છે. ભવ્ય અને મહાન સંસ્કૃતિ મૃત્યુશય્યા પર છેલ્લા શ્વાસ લઈ રહી છે ત્યારે હું ચૂપચાપ કેમ બેસી શકું? વધતી જતી આસુરી વૃત્તિને યથાશક્તિ ખાળવા પ્રયત્ન કરીશ. ઈશકૃપા (યોગેશ્વર કૃષ્ણ) મારી જોડે છે. મારામાં રહેલું સર્વ સામર્થ્ય શત્રુને ડામવામાં ખર્ચી નાખીશ અને પાછો ફરીશ તો જયમાળા પહેરીને જ આવીશ. આ દૃઢ સંકલ્પ સાથે રણે ચડવાનો દિવસ એટલે દશેરાનો દિવસ!

ટૂંકમાં દશેરાનો દિવસ એટલે સમજમાં રહેલી દીન, હિન, લાચાર તેમ જ ભોગની વૃત્તિને સંહારવા કટિબદ્ધ થવાનો દિવસ. ધન અને વૈભવને વહેંચીને ભોગવવાનો દિવસ. બાહ્ય શત્રુની સાથે-સાથે અંદર બેઠેલા ષડ્રિપુ પર વિજય મેળવવા કૃતનિશ્ચયી બનવાનો દિવસ. દશેરા એટલે વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા. દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a comment