પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન) થી મુક્તિના દ્વાર સુધી

|| પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન) થી મુક્તિના દ્વાર સુધી ||

પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન)થી આગળ વધતો સાધક છેક મુક્તિના દ્વાર સુધી પહોંચે છે
જૈન ધર્મનું છઠ્ઠું આવશ્યક પ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાન એ તપ અને ત્યાગ કરવાનો વ્યક્તિનો દૃઢ નિર્ધાર છે. આ પ્રત્યાખ્યાનતી એના કર્મબંધના કાર્ય અટકી જાય છે અને કહ્યું છે કે પ્રત્યાખ્યાન વિના સુગતિ નથી.

જીવને મોક્ષના લક્ષે ધર્મરૃપી રાજમાર્ગ પર રાખવા માટે તે ઈતર પ્રલોભનોથી બચવા માટે ઉત્તમ ઉપાય સમાન પ્રત્યાખ્યાન ઘણા પ્રકારો છે અને તેથી વ્યક્તિમાં જો પ્રત્યાખ્યાન લેવાની વૃત્તિ હોય તો પોતાની પ્રકૃતિ અનુસાર એ પ્રત્યાખ્યાન લઈ શકે છે. આહાર, સંપત્તિ, પરિગ્રહ, દૂષણો અને પાપમાંથી બચવા માટેનાં અનેક પ્રકારનાં પ્રત્યાખ્યાન વ્યક્તિ નિશ્ચિત સમય માટે કે જીવનભર સ્વીકારતી હોય છે. પ્રત્યાખ્યાનના આ બધા પ્રકારોનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવશે કે જીવનમાં આવનારાં અશુભ બળોને રોકવા માટે કેવી સુંદર વ્યવસ્થા કરી છે! તમે દિવસના નિશ્ચિત સમય માટે આહારત્યાગનું પ્રત્યાખ્યાન લઈ શકો, તો એની સાથોસાથ અમુક દિવસ સુધી હિંસા, મૈથુન કે ક્રોધથી અળગા રહેવાનાં પ્રત્યાખ્યાન પણ લઈ શકો. નિર્દોષ અને નિષ્પાપ જવન જીવવા માટેનો આ ધર્મમાર્ગ છે. આ પ્રત્યાખ્યાન કઈ રીતે લેવાં એ વિશે પણ પણ ઘણું વિચારાયું છે. એની પૂર્ણશુદ્ધિ માટે શ્રદ્ધાશુદ્ધિ, જ્ઞાાનશુદ્ધિ, વિનયશુદ્ધિ, અનુભાષણશુદ્ધિ, અનુપાલનશુદ્ધિ અને ભાવશુદ્ધિ દર્શાવવામાં આવ્યા છે.

* શ્રદ્ધાશુદ્ધિ : સર્વજ્ઞા ભગવાને આપેલો આ ઉપદેશ છે અને તે નિર્જરાનું કારણ છે, એવી દૃઢ શ્રદ્ધાથી પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવો.

* જ્ઞાનશુદ્ધિ : પ્રત્યાખ્યાનનું સ્વરૃપ, એની સમયમર્યાદા, એના આગાર (છૂટ, અપવાદ) વગેરે વિષયોનું જ્ઞાન મેળવ્યા પછી જ પ્રત્યાખ્યાન લેવાં, તો જ એ સફળ થાય.

* વિનયશુદ્ધિ : ગુરુ આદિને વિનયપૂર્વક વંદન કરીને મન, વચન કાયાના અશુભ યોગનો નિગ્રહ કરી, આદરપૂર્વક પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવો.

* અનુભાષણશુદ્ધિ : પ્રત્યાખ્યાન સૂત્રનું શુદ્ધિપૂર્વક ઉચ્ચારણ કરવું.

* અનુપાલનશુદ્ધિ : ગુરુ જ્યારે ‘વોસિરેહ’નો શબ્દોચ્ચાર કરે અને તરત જ ‘વોસિરામિ’ શબ્દનું ઉચ્ચારણ કરવું તે અનુપાલનશુદ્ધિ પ્રત્યાખ્યાન છે. કપરા પ્રસંગોમાં પણ લીધેલા પ્રત્યાખ્યાનનું બરાબર પાલન કરવું. કોઈ મુશ્કેલી જણાય તો પણ ક્યારેય છૂટછાટ રાખવી નહીં.

* ભાવશુદ્ધિ : પ્રત્યાખ્યાનનો પ્રારંભ કરતી વેળાએ જે દૃઢ શ્રદ્ધા અને ભાવવિશુદ્ધિ હતી, તે છેક સુધી ચાલુ રાખવી, રાગ-દ્વેષ, અહંકાર જેવા મલિન ભાવો પ્રત્યાખ્યાનને દૂષિત બનાવે છે, તેથી ભાવવિશુદ્ધિ બરાબર રાખવા માટે તે જરૃરી છે.

આનો અર્થ જ એ થયો કે પ્રત્યાખ્યાનમાં સાચી શ્રદ્ધા, સમજ, વિનય, સ્પષ્ટ સૂત્રોચ્ચાર, પાલનની દૃઢતા અને ભાવની વિશુદ્ધિ હોવાં જોઈએ. પ્રત્યાખ્યાન લીધા પછી પ્રત્યાખ્યાનનું કઈ રીતે પાલન કરવું એનો પણ ઊંડો વિચાર કરવામાં આવ્યો છે. અર્થાત્ પ્રત્યાખ્યાન લેતાં પહેલાંની માનસિક સજ્જતા અને પ્રત્યાખ્યાન સમયની મનની દૃઢતા એ બંને વિશે ગહન ચિંતન કરવામાં આવ્યું છે.

આમ અશાંતિ જગાડતી બાબતોને દૂર કરીને પ્રશાંતતા તરફ લઈ જવા માટે પ્રત્યાખ્યાનની જરૃર છે. પ્રત્યાખ્યાનના દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન એવા બે પ્રકારે મળે છે અને સ્વાભાવિક રીતે જ બંનેમાં તૃષ્ણાનો ત્યાગ એ મહત્ત્વનો છે. ‘પ્રવચનસારોદ્વાર’માં એક ચતુર્ભંગીનું વર્ણન છે.

આમ અશાંતિ જગાડતી બાબતોને દૂર કરીને પ્રશાંતતા તરફ લઈ જવા માટે પ્રત્યાખ્યાનની જરૃર છે. પ્રત્યાખ્યાનના દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન એવા બે પ્રકારે મળે છે અને સ્વાભાવિક રીતે જ બંનેમાં તૃષ્ણાનો ત્યાગ એ મહત્ત્વનો છે. ‘પ્રવચનસારોદ્વાર’માં એક ચતુર્ભંગીનું વર્ણન છે.

(૧) સુજ્ઞા સુજ્ઞાની સમીપ
(૨) અજ્ઞા સુજ્ઞાની સમીપ
(૩) સુજ્ઞા અજ્ઞાની સમીપ
(૪) અજ્ઞા અજ્ઞાની સમીપ

આમાં પ્રથમ ભાંગામાં પ્રત્યાખ્યાનના સૂત્રનો અર્થ જાણે અને એને જાણકાર પાસે ગ્રહણ કરે, તે વિશુદ્ધ ભાંગો કહેવાય, પચ્ચક્ખાણ સૂત્રના અર્થ જાણે અને જાણકાર ન હોય તેમની પાસે ગ્રહણ કરે, તે શુદ્ધ ભાંગો કહેવાય, પચ્ચક્ખાણ સૂત્રના અર્થ ન જાણે અને જાણકાર પાસે ગ્રહણ કરે, તે શુદ્ધ ભાંગો કહેવાય, પચ્ચક્ખાણ સૂત્રના અર્થ ન જાણે અને આપનાર પણ ન જાણતા ન હોય, તેમની પાસે ગ્રહણ કરે, તે અશુદ્ધ ભાંગો કહેવાય.

પ્રત્યાખ્યાનના પાલનનાં છ અંગો દર્શાવવામાં આવ્યાં છે :

(૧) ફાસિયં (સ્પર્શિત) : જે પ્રત્યાખ્યાન લીધું હોય તેને વચ્ચે તોડયા વિના શુદ્ધભાવથી અખંડ રીતે પાલન કરવું તે સ્પર્શના. (૨) પાલિયં (પાલિત) : પ્રત્યાખ્યાનને વખતોવખત યાદ કરીને જાગ્રતપણે એની જાળવણી કરવી. (૩) સોહિયં (શોધિત) : પ્રત્યાખ્યાનના પાલનમાં કોઈ દોષ થઈ જાય તો તત્કાળ એની શુદ્ધિ કરવી. (૪) તીરિયં (તીરિત) : લીધેલા પ્રત્યાખ્યાનની સમયમર્યાદા પૂર્ણ થાય પછી જ એની સમાપ્તિ કરવી. (૫) કિટ્ટિયં (કીર્તિત) : પ્રત્યાખ્યાનનો મહિમા પ્રદર્શિત કરવો, મનમાં એના તરફ આદરભાવ થાય અને એની સમાપ્તિપૂર્વે ઉલ્લાસપૂર્વક કહેવું, ‘મેં અમુક પ્રત્યાખ્યાન લીધું હતું અને તે સમ્યક્ પ્રકારે પૂર્ણ કર્યું છે’ (૬) આરાહિયં (આરાધિત) : ઉપરોક્ત સર્વ અંગથી સર્વ દોષોનો ત્યાગ કરીને પ્રત્યાખ્યાનની આરાધના કરવી જોઈએ (પાલન કરવું જોઈએ).

આ છ અંગ દ્વારા પ્રત્યાખ્યાનની આરાધના કરવી જોઈએ એમ છતાં ક્યારેય છદ્મસ્થપણાને કારણે આરાધનામાં ક્ષતિ થાય તો તેની આલોચના કરીને પ્રત્યાખ્યાન સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરી વિશુદ્ધ બની શકાય છે.

પ્રત્યાખ્યાન દસ પ્રકારના હોય છે અને આ દસ પ્રત્યાખ્યાનમાં નીચે પ્રકારના પંદર આગાર હોય છે.
જૈન આગમ સાહિત્યમાં પ્રત્યાખ્યાન વિશે વિશેષ છણાવટ મળે છે. ભગવતીસૂત્રના સાતમા શતકમાં પ્રત્યાખ્યાનનું સ્વરૃપ, તેના ભેદો અને તેનાં લક્ષણો મળે છે. આવશ્યકનિર્યક્તિ વગેરે ટીકાગ્રંથોના તેમજ જૈનાચાર્ય દેવેન્દ્રસૂરિના ‘પ્રત્યાખ્યાન’ વિશેના ભાષ્યમાં, શ્રી માણગણિવિજયવર્યના ‘ધર્મસંગ્રહ’માં પણ આચાર્ય હરિભદ્રસૂરિ તથા કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યના ગ્રંથોમાં પણ આ વિશેનું વિશદ નિરૃપણ થયું છે.

પ્રત્યાખ્યાનના મૂળ ગુણાત્મક અને ઉત્તરગુણાત્મક એવા બે મુખ્ય પ્રકારો છે. જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મૂળભૂત તેમજ સામાયિક, પૌષધ, દિક્પરિમાણ, અતિથિસંવિભાગ વગેરે ઉત્તરગુણ કહેવાય છે. આ ઉત્તરગુણ અને મૂળગુણનું પોષણ કરે છે.
આ બે ઉપરાંત અન્ય દસ પ્રકાર આ પ્રમાણે છે :

(૧) અનાગત : ભવિષ્યમાં જે પ્રત્યાખ્યાન કરવાની ભાવના હોય, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે વહેલું કરે લેવું પડે તે.

(૨) અતિક્રાંત : પર્વ કે અમુક દિવસોએ અમુક તપશ્ચર્યા કરવાની ભાવના હોય, પણ સંજોગોવસાત્ તે ન કરી શકતાં એ પર્વના દિવસો વીતી ગયા પછી એવી તપશ્ચર્યા કરવાનું પ્રત્યાખ્યાન લેવું તે.

(૩) કોટિસહિત પ્રત્યાખ્યાન : એક પ્રત્યાખ્યાનની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં તેવું કે તે પ્રકારનું પ્રત્યાખ્યાન ઉમેરી દેવું તે કોટિસહિત પ્રત્યાખ્યાન છે. ઉપવાસની સાથે ઉપવાસ, એ પ્રકારનું પ્રત્યાખ્યાન એ સમકોટિ પ્રત્યાખ્યાન અને ઉપવાસની સાથે એકાસણું કે અઠ્ઠમની સાથે છઠ્ઠ વગેરેનું પ્રત્યાખ્યાન તે વિષમકોટિસહિત પ્રત્યાખ્યાન કહેવાય છે.

(૪) નિયંત્રિત : કોઈ પણ સંજોગોમાં પછી ગમે તે વિઘ્ન હોય, કોઈ તીવ્ર રોગ હોય, અણધાર્યું સંકટ કે ઉપસર્ગ હોય, છતાં તેને નિશ્ચયપૂર્વક પાર પાડવું.

(૫) અનાગાર : કોઈ પણ પ્રકારના આગાર (છૂટ કે અપવાદ) વગર પ્રાણાંતે પણ પ્રત્યાખ્યાન પાર પાડવું. આ પ્રત્યાખ્યાનમાં ‘અન્નથણાભોગેણં’ અને ‘સહસાગાર’ એવા બે અપવાદો રાખવા પડે.

(૬) સાગાર : કેટલાક અપવાદો સાથેનું પ્રત્યાખ્યાન. જોકે આમાં અતિચારનો દોષ લાગે, જેની શુદ્ધિ થઈ શકે અને બીજો આગાર તે સહસાગાર એટલે કે એકાએક કોઈ એવી ઘટના બને કે પ્રત્યાખ્યાનનો ભંગ થાય તે પરિસ્થિતિમાં છૂટ આપવામાં આવે છે.

(૭) નિરવશેષ : સંલેખનાવ્રત સંથારો લેનાર ચારે પ્રકારે આહારનો સર્વથા ત્યાગ કરવાનું નિરવશેષ પ્રત્યાખ્યાન લે છે.

(૮) પરિમાણકૃત : આહાર વગેરે અમુક વાનગીની કે અમુક કોળિયાનું પરિમાણ કે માપ નક્કી કરીને આહાર લેવાનું પ્રત્યાખ્યાન.

(૯) સંકેત : સમયમર્યાદા પૂર્ણ થતાં છતાં પ્રત્યાખ્યાનનો અવસર પ્રાપ્ત ન થાય એમ હોય તો બાકીનો સમય અવિરતિમાં પસાર કરવા કરતાં કોઈ સંકેત ધારણ કરવો અને એ સંકેત પ્રાપ્ત થતાં પ્રત્યાખ્યાન દૂર કરવું.

(૧૦) અદ્ધા : કાળને અનુલક્ષીને જુદા જુદા પ્રકારના આહારની વિવિધ મર્યાદાઓ બાંધવાપૂર્વક લેવાતા પ્રત્યાખ્યાન, જેના દસ પેટાપ્રકાર છે : (૧) નવકારસી (૨) પોરસી (૩) પુરિમડ્ઢ (૪) એકાસણું (૫) એકલઠાણું (૬) આયંબિલ (૭) ઉપવાસ (૮) દિવસચરિમ કે ભવચરિમ્ (૯) અભિગ્રહ અને (૧૦) વિગઈ.

આમ પ્રત્યાખ્યાનની પાળ બાંધી દઈને વ્યક્તિ એના મન, વચન અને ઈંદ્રિયોને સંયમમાં રાખી શકે છે. એ પ્રપંચ, પ્રભાવ  કે પ્રલોભનોમાંથી બચી શકે છે આમ પ્રત્યાખ્યાનથી આગળ વધતો સાધક ઠેઠ મુક્તિના દ્વાર સુધી પહોંચે છે.

Leave a comment