ઉપવાસ એટલે શું ? શા માટે કરવા જોઈએ ?

1

|| ઉપવાસ એટલે શું ? શા માટે કરવા જોઈએ ? ||

તમે નિયમિત કસરત કરશો તો શરીરના બધા જ અંગો સરસ સરળતાથી કામ કરી શકશે પણ તમને કસરત કરવાનું મન છે જ નહીં. બીજો રસ્તો તે ઉપવાસ કરવાનો

ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું. કશું જ પેટમાં નાખવું નહીં. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ ઉપવાસ વિષે ઘણી વાતો લખી છે. ઉપવાસ શબ્દને છૂટો પાડીએ તો ઉપ + વસત્ એટલે કે ઊંચી કક્ષાએ જીવવું. ભૂખ લાગવી એ શરીરનો ધર્મ છે શરીરના ધર્મથી ઊંચે જવું એટલે કે પરમ બ્રહ્મમાં વિલીન થવું ઉપવાસ કરવાથી મન પવિત્ર થાય છે આ વાત આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં, જૈન અને બુદ્ધ ધર્મમાં અને ક્રિશ્ચીયન ધર્મમાં પણ ઘણી વિગત સાથે જણાવેલ છે. ઉપવાસ કરવાથી આ જન્મના અને પૂર્વ જન્મના પાપો- ખોટા કર્મોનો નાશ થાય છે, ધર્મમાં શ્રદ્ધા વધે છે, શરીર ચોક્ખું થાય છે દરેક પ્રકારના ત્યાગમાં ઉપવાસ શ્રેષ્ઠ ગણાય છે. હિન્દુ ધર્મમાં એકાદશી (અગિયારસ)નો ઉપવાસ (આજે સૂર્ય ઉગે ત્યારથી બીજે દિવસે સૂર્ય ઉગે ત્યાં સુધી પેટમાં ખોરાક કે પાણી કશું નાખવાનું નહીં. તેને એકાદશી વ્રત કહે છે.) આ વ્રત કરવાથી ખૂબ પુણ્ય મળે છે.
મારી દ્રષ્ટિએ ધર્મગ્રંથ લખનારા ગુરૃઓ વિચક્ષણ અને દૂર દ્રષ્ટિવાળા હતા.

૧. તેઓએ માનવી જન્મથી મૃત્યુ સુધી રોગરહિત રહે અને લાંબુ જીવે એ માટે ઉપવાસ કરવાની ભલામણ કરેલી. રોજેરોજના શરીરને સુખ આપે અને પરેશાન કરે તેવા અનેક જાતના ખોરાક ખાઈને બીમાર પડે માટે આ પ્રકારની સૂચના જુદા જુદા દિવસે ઉપવાસ કરવાથી શું ફાયદો થાય તે વાત જણાવેલી છે. આ જ રીતે.

૨. માનવી કસરત કરીને તંદુરસ્તી જાળવે માટે તમે રોજ બે વખત તમારા ધાર્મિક સ્થાને જાઓ ચાલીને અને દંડવત્ પ્રણામ કરો, દર્શન કરવાથી પુણ્ય મળે તે વાત પણ કદાચ માનવી જાણે અજાણે કસરત કરીને રોગરહિત રહે અને લાંબુ જીવે માટે ધર્મગુરૃઓએ બે વખત દર્શન કરવા જવાનું જણાવેલું હશે.

|| ઉપવાસ કરવાથી શરીરમાં કઈ ક્રિયા થાય છે ? ||

દિવસે કામ કરનારાં તમારા અગો છે.
૧. હાથ,
૨. પગ,
૩. લીવર,
૪. હોજરી,
૫. મગજ,
૬. આંખો,
૭. કાન,
૮. જીભ,
૯. દાંત,
1૦. હોર્મોન ગ્રંથી વગેરે.

જ્યારે રાત્રે માનવી પ્રવૃત્તિશીલ ન હોય ત્યારે તમારી કિડની- લીવર – આંતરડા – ફેફસા સતત કામ કરે છે તમારા શરીરની ૧૦૦ ટકા શક્તિમાંથી ૮૦ ટકા જેટલી શક્તિ આ અંગો (દિવસના) વાપરી નાખે તો શરીરમાં કિડની દ્વારા પેશાબ અને મળ આંતરડા દ્વારા અને ફેફસા જે શરીરને નુકસાન કરે તેવા પદાર્થો દૂર કરે છે. આ કામ ૨૪ કલાક ચાલે છે. શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ જો આ ટોક્સીસ પદાર્થો શરીરની બહાર સમયસર નીકળી ના જાય તો શરીરને નુકસાન કરે. જો દિવસના ભાગના બધા અંગો ૮૦ ટકા શક્તિ વાપરી નાખે તો સતત કામ કરનારા અને શરીરને ચોક્ખું રાખનારા કિડની અને આંતરડા અને ફેફસા (જે ખરાબ વાયુ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું કામ કરે છે.)ને પોતાની જરૃરત કરતાં ઓછી (ફક્ત ૨૦ ટકા) શક્તિ મળે તો કામ કેવી રીતે કરી શકે મતલબ શરીરમાં ટોક્સીક પદાર્થોનો ભરાવો થાય જેથી તમને કારણ વગર થાક લાગે, બગાસા આવે, સુસ્તી લાગે, કામમાં મન ના રહે આરામ કરવાનું મન થાય, ખોરાકનું પાચન ન થાય, પેશાબમાં ગરબડ થાય કશું યાદ ના રહે. વારે વારે ગુસ્સો આવે મન ઠેકાણે ના રહે આ બધું થવાનું કારણ તમારા શરીરને ચોક્ખું રાખનારા ત્રણ અંગો કીડની- આંતરડા અને ફેફસાને જોઈએ ૫૦ ટકાથી વધારે શક્તિ તેને બદલે ફક્ત ૨૦ ટકા કે તેથી ઓછી શક્તિ મળે એટલે પોતાનું કામ સંપૂર્ણ રીતે ના કરી શકે. શું કરશો ?

તમારી પાસે બે જ રસ્તા છે. એક સરળ રસ્તો છે કસરત કરવાનો, જે કરવાનો તમારી પાસે સમય નથી (આળસુ થઈ ગયા છો) તમને ખબર ના હોય તો જણાવું કે જો તમે નિયમિત કસરત કરશો તો તમારા શરીરમાં ત્રણ ગણી શક્તિ એકઠી થશે જેથી શરીરના બધા જ અંગો સરસ સરળતાથી કામ કરી શકશે પણ તમને કસરત કરવાનું મન છે જ નહીં. બીજો રસ્તો સરળ નથી પણ છૂટકો જ નથી તે ઉપવાસ કરવાનો. કરશો ને ?

|| ઉપવાસ કરવાથી શરીરના બધા અંગો ગમે તે ઉંમરે સરસ કામ કરશે ||

તમારા આગળ જણાવેલા આખો દિવસ કામ કરનારા અંગો- હાથ, પગ હોજરીને તમે ઉપવાસ કરો છો માટે તેમની શક્તિ વાપરવાનો સવાલ નથી એટલે શક્તિ વધશે. ઉપવાસને દિવસે તમે જાણી જોઈને કામ પણ ઓછું કરવાના એટલે હાથ- પગ- આંતરડા અને હોજરીને ઓછું કામ પડવાનું એટલે જે શક્તિ વધે તે તમારા આંતરડા અને કીડનીને મળે એટલે તમારા શરીરમાં રહેલો કચરો દૂર થઈ જાય એટલે તમને તમારા શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય, થાક ના લાગે માટે બગાસા ન આવે, શરીરને સાફ રાખવાનો (ટોક્સીક પદાર્થોથી) સમય મળે. તમારા શરીરના અગત્યના અંગો સારી રીતે કામ કરે અને તાજામાજા રહે.

|| ઉપવાસથી ગભરાશો નહીં ||

વૈજ્ઞાાનિકોએ પ્રયોગોથી નક્કી કર્યું છે કે જો તમને માનસિક સ્ટ્રેસ ના હોય અને તંદુરસ્ત હો તો ખોરાક વગર ૩૦થી ૪૦ દિવસ જીવી શકો. એક પાઉન્ડ ચરબી બરોબર ૩૫૦૦ કેલેરી ગણાય. ૧૦ પાઉન્ડ એટલે ૩૫૦૦૦ કેલરી તમારા શરીરને શારીરિક માનસિક કામ ના હોય તો તમે ગણત્રી કરો પુરુષ કે સ્ત્રી ૧૧૦૦ કે ૧૨૦૦ કેલેરીથી વધારે વાપરે નહીં અર્થાત્ ૩૫૦૦૦ કેલેરી (૧૦ ગ્રામ ફેટ શરીરને કશા નુકસાન વગર ફક્ત ચરબી ઓછી થાય. ૩૦ દિવસ જીવી શકો ઉપવાસ પૂરા થયા પછી ફરી નોર્મલ થવા માટે તમારે જરૃર છે આરામ (પૂરતી ઉંઘ) વૈજ્ઞાાનિકોએ માટે કહ્યું છે ઉપવાસથી ગભરાશો નહીં. જો શરીરમાં ટોક્સીક પદાર્થોનો ભરાવો થાય અને તમે કસરત પણ ના કરો તો શરીરમાંથી બને તેટલો કચરો તમારા ફેફસા આંતરડા કિડની (હવા- મળ- પેશાબ) મારફતે કાઢી નાખે ત્યારે પણ જો શરીરમાં ટોક્સીક પદાર્થો તમારી બેફામ જીવનશૈલીને કારણે રહ્યા હોય તો શરીર તેને કાઢી નાખવા

૧. શરીર પર ગુમડા કરે જે ફૂટે અને કચરો નીકળી જાય,
૨. પરસેવો ખૂબ થાય,
૩. ઝાડા થઈ જાય,
૪. ઉલટી થાય,
૫. મોમાં ખૂબ ચિકાશ આવે વારેવારે થુંક આવે,

આટલું કર્યાથી પછી જો શરીરમાં જમા થએલા બધા ઝેરી પદાર્થો દૂર ન થાય તો એ પદાર્થો

૧. સાંધામાં જમા થાય,
૨. અને તેથી આગળ અંગોમાં જમા થાય અને તે અંગના કામમાં તકલીફ થાય. હાડકાની તકલીફ થાય, ડાયાબીટીસ થાય, હાર્ટ એટેક આવે, અનેક જાતની નબળાઈ આવે.

|| ઉપવાસ શરૃ કરો ત્યારે શરૃના બે દિવસ ||

૧. તમારી જીભ પર છારી બાઝે,
૨ મોમાંથી ખરાબ વાસ આવે,
૩. શરીરના દરેક છિદ્રોમાંથી ટોક્સીક પદાર્થ બહાર નીકળે,
૪. બે દિવસ ખાવાનું યાદ આવે (ભૂખ લાગે) પછી ભૂખ જતી રહે અને શરીરની સાફસૂફી શરૃ થાય. બધો જ કચરો સાફ થયા પછી જન્મથી તમારા શરીરમાં જાણે- અજાણે દાખલ થયેલા ટોક્સીક પદાર્થો પણ નીકળવા માંડે જેને પરિણામે તમારા મગજનું કામ સરસ ચાલે. ઉપવાસથી તમને પરેશાન કરનારા ટોક્સીક પદાર્થ જેમાં ચરબી- મીઠુ- ખાંડવાળા પદાર્થો ગણાય તેની અસર દૂર થાય તેમજ બેક્ટેરીયા વાયરસ ફંગસ એલર્જી કરનારા પદાર્થો પણ શરીરને નુકસાન કર્યા વગર બહાર નીકળી જાય. છેલ્લી સ્ટેજ વખતે તમે ઉપવાસ નકોરડા કરવાના બદલે ફળો, શાકભાજીના રસ લો તો તમને વિશેષ ફાયદો થાય, કેન્સર ઉત્પન્ન કરનારા ટોક્સીક પદાર્થો જે કેન્સર સેલને પોષણ આપે છે તે પણ જો ઉપવાસ કરો તો તે નાશ પામે છે અને કેન્સર મટી જાય છે એમ સંશોધકો જણાવે છે.

|| ઉપવાસ કરતા ગભરાતા લોકો આ બે વાત યાદ રાખે ||

૧. બે દિવસ પછી ભૂખ નહીં લાગે. ભૂખ લાગવાનું કારણ તમારા ૨૨ વર્ષ સુધી તમારા શરીરની વૃદ્ધિ અને કાર્યશક્તિ માટે જરૃરી પદાર્થો પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટની જરૃર હતી.

૨. ઉપવાસ કરવાથી શરીરનો બધો જ ના જોઈતો કચરો અથવા વેસ્ટ પ્રોડક્ટ (આગળ જણાવ્યા પ્રમાણે) શરીરની બહાર નીકળી જવાથી શરીરમાં સ્ફૂર્તિ લાગશે. યાદ રાખો ઉપવાસ એ તમારી પાસે રહેલું એવું હથિયાર છે જેની તમારે વારેવારે જેમ ઉમર વધે તેમ તમારા શરીરમાંથી દૂષિત પદાર્થો કાઢી નાખવા માટે મદદ કરે છે. એટલું જ નહીં દૂષિત પદાર્થોની ગેરહાજરીથી તમને કોઈ પણ રોગો થતા નથી અને એ રીતે તમે લાંબુ આરોગ્યમય જીવન જીવો છો. આ ઉપરાંત બીજી દ્રષ્ટિએ તમે થાકેલા, ડીપ્રેશનવાળા નહીં લાગો. શરીરમાં ઉપવાસથી શક્તિનો સંચાર લાગશે. દરેક વસ્તુને નકારાત્મક ભાવથી જોવાની ટેવ જતી રહેશે. વિચાર તો કરો ઊંઘનો સમય અને પુરુષો માટે નોકરી ધંધાનો સમય અને સ્ત્રીઓને રોજીંદા કાર્યો સિવાય રોજ ત્રણ ચાર વખત ખાવાનું બનાવવામાં – ખાવામાં જે સમય જશે તે બચી જશે. તમારી પાસે સમય હોવાથી મેડીટેશન કરી શકશો. સારા વિચારો આવશે ફક્ત ‘કૂપમંડુક’ થઈ પોતાના ઘરનો વિચાર કરવાને બદલે બીજાનો પણ વિચાર આવશે તમે બીજાને દુઃખમાં મદદગાર થઈ શકશો. તમારું મગજ સુધરી જશે કોઈ રોગ (મગજના) નહીં થાય.

જ્યારે ઉપવાસ કરો છો ત્યારે તમારી હોજરી, આંતરડા, લીવર, કિડની અને નાના મોટા અંગોને (ખોરાક ન લીધો હોવાથી) શક્તિની જરૃર નહીં પડે માટે એ શક્તિ મગજ વાપરશે, તમારી યાદશક્તિ વધશે, તમારી એકાગ્રતા વધશે. જૂની દુઃખભરી યાદો મગજ વારેવારે યાદ નહીં કરે. તમે પ્રસન્ન ચિત્ત, હસમુખા અને ઉત્સાહવાળા લાગશો. તમારા મિત્રો- કુટુંબીજનોને નવાઈ લાગે એટલા શારીરિક અને માનસિક ફેરફાર તમારામાં થશે. તમે બીમાર ઓછા પડશો અને સૌને ગમે તેવા તમારા વાણી- વર્તન અને વ્યવહાર થઈ જશે.
પશુ- પક્ષી ખાવાનું ક્યારે છોડી દે છે – બાળકો ક્યારે ખાતા નથી ?

જ્યારે તબિયત બરાબર ન હોય ત્યારે પશુ- પક્ષી ખાતા નથી, બાળકો ખાતા નથી. આ નિયમ મોટા થઈને આપણે ભૂલી ગયા છીએ. જો અત્યાર સુધીની મારી વાત તમારા મગજમાં ઉતરી હોય તો –

તમને તાવ આવ્યો કે નબળાઈ લાગી એનું કારણ શરીરમાં કચરો (ટોક્સીક પદાર્થ) ભરેલો છે. તમારે બીજુ કંઈ નથી કરવાનું. ફક્ત પશુ- પક્ષી કે બાળકને જેમ સ્વયં ખબર પડે છે તેમ તમે બે દિવસ કે વધારે ઉપવાસ કરી નાખો. ધાર્મિક દ્રષ્ટિએ પુણ્ય મળે અને સ્વર્ગનું સુખ મળે તેવું સુખ તમારા જીવતા જીવ તમને જ્યારે ઉપવાસથી શરીર ચોક્ખું થઈ જશે ત્યારે તમને મળશે. જોયું, કેટલો બધો ફાયદો છે! ઉપવાસના હિમાયતી અને ઉપવાસ ઉપર જેમણે ચોપડી લખી છે તે ડો. રાય કેસી (યુએસએ) જે ઉપવાસ કરનારાના ડોક્ટર છે તેમણે લખ્યું છે કે, ”મારી ન્યુયોર્કની ૨૦ વર્ષની પ્રેક્ટિસમાં સેંકડો ઉપવાસીઓને તપાસ્યા છે અને જોયા છે. એક વાત ભાર દઈને જણાવું છું કે, ગમે તે ઉંમરે ધીરે ધીરે વધારી દર મહિને ચાર કે પાંચ ઉપવાસ કરવાથી તમે તમારા જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જાઓ છો, જ્યાં તમને પરમ શક્તિનો સાક્ષાત્કાર થાય છે અને મન અને શરીરમાં ફક્ત આનંદ જ આનંદનો ભાવ રહે છે મનને સખત સતત શાંતિ પ્રાપ્ત થાય છે.”

|| કઈ પરિસ્થિતિમાં (રોગોમાં) ઉપવાસ તમને મદદ કરે છે ? ||

૧. સાંધાનો વા,
૨. દમ,
૩. બ્લડપ્રેશર,
૪. લ્યુપસ,
૫. સતત થાક લાગતો હોય (ગમે તે ઉંમરે)
૬. ખોરાકનું પાચન ન થતું હોય,
૭. આંતરડાનો સોજો અને બીજા પાચન સંસ્થાનના રોગો,
૮. ન્યુરાઇટીસ,
૯. કેન્સર,
૧૦ લકવો.

ડો. રાય કેસીએ તો ઘણી બીમારીઓ જણાવી છે પણ છેલ્લે એમ કહે છે કે તમારા કારખાનામાં રાખેલા મજૂરને એક બે દિવસ રજા આપો તો જ્યારે પાછો નોકરીએ આવે ત્યારે સરસ રીતે કામ કરે તેવી રીતે તમારા કામગરા (હોજરી વગેરે) અંગોને આરામ ઉપવાસથી આપો તો બીજા અંગો સરસ કામ કરે છે તે રીતે એક બીમારી એવી છે જેમાં તમારાથી ઉપવાસ ના થાય. તે લિવરની બીમારી અથવા તકલીફ (લીવરનો સોજો- જુદા જુદા પ્રકારના જોન્ડીસ).

|| ઉપવાસથી તમે કોઈની પર આધાર નહી રાખવાનું શીખી જશો ||

સમાજના મોટા ભાગના લોકો એમ માને છે કે જ્યારે બીમાર પડીશું ત્યારે ડોક્ટરને બોલાવીશું. એ દવા કે ગોળી આપશે તેથી તમે સાજા થઈ જશો. તમે એમ જ માની બેઠા છો કે વિજ્ઞાાને એટલી બધી પ્રગતિ કરી છે કે જો તમે બીમાર પડશો તો ડોક્ટર એકલો જ તમને નવી નવી દવાઓથી સાજા કરી દેશે. આ તમારી મોટી ભૂલ છે. ખરો ઉપાય તમારી બીમારીનો તમારી પાસે જ છે પણ તમારી દશા ‘કસ્તુરી મૃગ’ જેવી થઈ ગઈ છે. તમારી પાસે ઉપવાસનો ખરો અને ૧૦૦ ટકા સાચો (રામબાણ) ઉપાય છે તેની ખબર નથી અને બીજે શોધો છો. તમારા ડોક્ટર તમને (દર્દી)ને નથી જોતા- દરદ શોધવા પ્રયત્ન કરે છે. લક્ષણો જુએ છે. જરૃર લાગે તો એક્સ-રે, સોનોગ્રાફી, પેથોલોજી રીપોર્ટ જોઈને દરદ નક્કી કરે છે અને પછી દરદની સારવાર કરે છે. ડો. રાય કેસી કહે છે કે આવી મગજમારી કર્યા વગર તમે થોડા ઉપવાસ કરી નાખો. ફરી વાર લખું કે ઉપવાસથી શરીરમાંથી કચરો કાઢી નાખનારા અને તમને સાજા કરનારા અંગો પ્રવૃત્ત થશે અને તમે સાજા થઈ જશો.

|| ઉપવાસના ફાયદા કેટલા બધા છે ||

૧. મગજ ચોખ્ખું થઈ જાય છે.
૨. એકાગ્રતા અને સ્મરણ શક્તિ વધે છે.
૩. શરીરમાં ઉપવાસ વખતે પ્રથમ ચરબી ઓગળે એટલે તમે જાડા ન લાગો. વજન કોઈ નુકસાન વગર ઓછું થતું જાય.
૪. નર્વસ સિસ્ટમ (સંદેશા લઈ જનાર- લાવનાર મોટર સેન્સરી) સુધરે
૫. જેટલા લાંબા તમારા ઉપવાસ (૧થી ૩૦ દિવસ) તેટલી તમારી શક્તિ અને ઉત્સાહ વધે.
૬. ઉંઘ ઓછી થાય પણ કામ કરવાના કલાક વધે, નુકસાન ન થાય
૭. શરીરના બધા અંગો તાજામાજા થઈ જાય.
૮. ચામડી સુંવાળી, રેશમ જેવી થઈ જાય છે.
૯. હલનચલનમાં સ્ફૂર્તિ આવે છે.
૧૦. શ્વાસોચ્છવાસની ગતિ એકદમ સુધરે છે
૧૧. તમારી જીભની સ્વાદ પારખવાની શક્તિ, તમારા કાનની સાંભળવાની શક્તિ, તમારા નાકની સુંઘવાની શક્તિ, તમારી સ્પર્શ શક્તિ અને આંખની જોવાની શક્તિ ખૂબ સુધરે છે. ૧૨. પાચન સંસ્થાન (ડાયજેસ્ટીવ સિસ્ટમ)માં અકલ્પનીય ફેરફાર થાય છે. ૧૩. શરીરમાં બેલેન્સીંગ સુધરી જાય છે.
૧૨ ટોક્સીક પદાર્થ ઘટવાથી રોગ થતા નથી અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

|| ઉપવાસના પ્રકારો ||

૧. એક દિવસના (આગળ જણાવેલ છે.) ઉપવાસ જેમાં કશું ખાવાપીવાનું નહીં.
૨. એક કે બે દિવસના ઉપવાસ જેમાં તાજા ફળોનો કે લીલા શાકભાજીનો રસ.
૩. લીંબુ પાણી. તાજા શાકભાજી (ગાજર- મુળા- ટમેટા- કાકડી) અને બધા ફળો લેવાય.
૪. મુસ્લિમ ભાઈઓમાં રમઝાન વખતે રોજા જેમાં ૪૦ દિવસ સૂર્ય ઉગે ત્યાંથી અસ્ત થાય ત્યાં સુધી કાંઈ ખાવા-પીવાનું નહીં, ફક્ત રાત્રે જ ખાવાનું.
૫. હિન્દુ ધર્મમાં ઉપવાસ કે વ્રત એકાદશી- પૂનમને દિવસે કરવામાં આવે છે.

શિવ શંકરમાં માનનારા સોમવારે ઉપવાસ કરે વિષ્ણુ ભગવાનમાં માનનારા ગુરૃવારે અને બજરંગબલીમાં માનનારા શનિવારે ઉપવાસ કરે, હિન્દુ તહેવારમાં મહા-શિવરાત્રિ વખતે, શ્રાવણ માસમાં દર સોમવારે, નવરાત્રિ વખતે નવ દિવસ, રાજસ્થાનમાં કડવા ચોથ વખતે ઉપવાસ કરે છે. આગળ જણાવ્યા પ્રમાણે સૂર્ય ઉગે ત્યારથી બીજા દિવસનો સૂર્ય ઉગે ત્યાં સુધી કોઈ ખોરાક કે પાણી નહીં લેવાનું. એક દિવસના ઉપવાસમાં હોય છે. આમાં કોઈ વખત ફરાળી ચીજો ફળો વગેરે લેવાની છૂટ હોય છે.

|| જૈનોમાં અનેક પ્રકારના ઉપવાસ હોય છે ||

૧. ચૌવિહાર – (ખોરાક કે પાણી સાંજના ૬ વાગ્યાથી બીજા દિવસ સવાર સુધી બંધ)
૨. તીવિહાર – જે ચોવિહારની માફક જ પણ ઉકાળેલું પાણી પીવાની છૂટ.
૩. જૈનોના પર્યુષણના તહેવાર વખતે આઠ દિવસના ઉપવાસને અઠ્ઠાઈ અને દસ દિવસના ઉપવાસને દસલક્ષણ, આખો મહિનો હોય તેને માસ ક્ષમાન. આયંબીલ નામના ઉપવાસમાં સ્વાદ વગરનું (મીઠું- મરચું- ખાંડ વગરનું) ખાવાનું દિવસમાં એક વાર જમવાનું તેને એકાસણા. જૈન મુનિઓ જાણીજોઈને ભૂખ્યા રહીને દેહત્યાગ કરે તેને ‘સંથારો’ કહે છે. ઓપરેશન પહેલા ૧૨ કલાક ખાવાની ડોક્ટરો રજા નથી આપતા. આ ઉપવાસથી પણ ઓપરેશન વખતે ગરબડ ના થાય માટે કરવામાં આવે છે.

|| વધારે પડતા ઉપવાસ કરવાનાં જોખમો ||

કશું ખાધાપીધા વગર લાંબા સમય સુધી ઉપવાસ કરવામાં તમારા શરીરમાં ક્ષારોનું બેલેન્સ ખોરવાઈ જાય, વાળ ઓછા થઈ જાય અને કોઈકવાર હાર્ટના ધબકારા અનિયમિત થવાથી (કાર્ડિયાક એરીથમીઆ) મૃત્યુ પણ થાય, કિડની કામ કરતી બંધ થાય. ઉપવાસ વખતે જો સાદી પેરાસીટામોલ ગોળી લેવામાં આવે તો આડઅસરમાં મૃત્યુ થાય. ઘણા લોકો વજન ઓછું કરવાની ઘેલછામાં ધીરે ધીરે ખોરાક ધટાડતા જાય એટલે સુધી કે માનસિક બીમારી થઈ જાય, જેમાં ખોરાક જુએ અને ઉલ્ટી થાય. ખાવા ઇચ્છે તો પણ ખાઈ ના શકે જેને એનોરેક્ષીયા નર્વીઆ કહેવાય. ખાસ ધ્યાન રાખશો, ઉપવાસના ફાયદા વધુમાં વધુ મેળવવા ઉપવાસ કરવાનું વ્યસન ના થઈ જાય.

One thought on “ઉપવાસ એટલે શું ? શા માટે કરવા જોઈએ ?

Leave a comment