જૈન સંથારો

1

|| જૈન સંથારો ||

“સંથારોઃ મૃત્યુના આવકારનું વિજ્ઞાન”
“સંસારનો સંકેલો કરી મૃત્યુને આહવાન આપવુ એટલે સંથારો”

જૈન ધર્મ, દીક્ષા લીધા વિના સંસારમાં જીવતા માણસ કે દીક્ષા લઈ ચૂકેલા સાધુ એમ બંને પ્રકારના માણસને સંથારાની પરવાનગી આપે છે. એટલે ગેરજૈનોમાં જે માન્યતા પ્રવર્તે છે કે, માત્ર જૈન સાધુઓ જ સંથારો લે છે એ માન્યતા ખોટી છે

સંથારોએ આદિ-અનાદિથી ચાલતી આવતી પ્રથા છે. અત્યારના કાળની વાત કરીએ તો લગભગ ૨૬૦૦ વર્ષ પૂર્વે મહાવીર સ્વામી ભગવાને પણ સંલ્લેખણા એવું અનુષ્ઠાન મોક્ષે જવા માટે આપેલું છે. આ સંલેખ્ખણા એ જ સંથારો એવું બીજું નામ આપી શકાય. દેરાવાસી એટલે કે શ્ર્વેતામ્બર, મૂર્તિપૂજક, તપાગચ્છ આ અનુયાયીઓ આનું નામ અનશણ આપે છે. અનશણમાં પણ ઉત્કૃષ્ટ કક્ષાએ આવું સમાધિમરણ ગણી શકાય.

‘સંથારો’ ને સાદી ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે, સંસારનો સંપૂર્ણ સંકેલો કરી, મૃત્યુને આહવાન આપવું કે, ‘મેં મારૃ કાર્ય પૂર્મ કરી લીધુ છે. હવે તારે જયારે આવવું હોય ત્યારે આવી જજે.’ આ લખવું, બોલવું, વાંચવુ જેટલુ સરળ અને સહેલુ લાગે છે એટલું જ આચરણમાં લાવવું બહુ જ કઠીન છે. કારણ કે, દરેક જીવને જીવવુ ગમે છે. મરવું કોઈને ગમતુ નથી. ૧૦૦ વર્ષની ઉંમર થઈ હોય, અંતિમ શ્વાસોશ્વાસ ચાલતા હોય છતાં જીવવાની જીજીવિષા હોય છે. સામે ચાલીને મોતને નિમંત્રણ આપવું એ નાની સૂની વાત નથી. જે ધર્માત્માએ જીવન પર્યંત ધર્મના, શાસ્ત્રના, જીનવાણીનાં ભાવોનું ચિંતન, મનન, મનોમંથન, ધૂષ્ણ અને ધોલણ કરેલ હોય તેને જ અનશન વ્રતની આરાધના કરવાનું અને સંથારો લેવાનું મન થાય. સંથારાનું મહત્વ બતાવતા જૈન દર્શનમાં પ્રભુએ ફરમાવ્યું છે કે, ‘સાર જિણવર ધમ્મં, સારૃં સંલેહણા પંડિય મરણં’ અર્થાત જગતનાં સર્વે પદાર્થોમાં જો કોઈ સારભૂત તેમજ આત્મ કલ્યાણકારી બાબત હોય તો તે જિનેશ્વર પ્રરૃપિત ધર્મ તથા સંથારા સહિતનું પંડિત મરણ છે.

શરીર એક સાધન કહી શકાય. બાકી સાધ્ય તો મોક્ષ જ છે. આ કાયા પાસેથી જેટલું લેવાય એટલું કામ લીધા પછી હવે જ્યારે એમ લાગે કે આ કાયા જગતને ઉપકાર કરવા લાયક રહી નથી ત્યારે જૈન મુનિઓ એક સંથારો પાથરીને અન્ન અને પાણીનો સંપૂર્ણ ત્યાગ કરે છે અને પોતાના આત્માનું ધ્યાન ધરે છે. જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આત્માનું ધ્યાન કરતાં કરતાં વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા કરે છે આમ આત્માનું તો કલ્યાણ કરે જ છે, પરંતુ જગતને માર્ગદર્શન આપી જગતનું પણ કલ્યાણ કરે છે.

વાસ્તવિકતામાં સંથારો એ ઇચ્છામૃત્યુ કરતાં પણ ઘણી મોટી ઉપરની વસ્તુ છે. જેમ ગટરનાં પાણી અને ગંગાના પાણીમાં તફાવત છે તેટલાં જ તફાવત સંથારો અને ઇચ્છામૃત્યુમાં છે. સંથારો તો આના કરતાં પણ વધારે સારી વાત ગણાય. આત્મહત્યા એ ગટરનું પાણી છે, જ્યારે સંથારો એ ગંગાનું પાણી તો ખરું જ પરંતુ ઘણી પવિત્ર વસ્તુ છે.

સામાન્ય રીતે સ્થાનકવાસી જૈન સંથારો શબ્દ વાપરે છે. દેરાવાસી જૈનોમાં આ જ વસ્તુ અનશણ તરીકે ઓળખાય છે અને સમસ્ત જૈન સંપ્રદાય સંલેખ્ખણા શબ્દ પણ વાપરે છે. દેરાવાસી લોકો સંથારા પોરસી શબ્દનો પણ પ્રયોગ કરે છે એમાં માત્ર એક જ દિવસ માટે આ જ ક્ધસેપ્ટની વાત હોય છે. હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં પણ આ જ ક્ધસેપ્ટ એટલે કે સંથારો શબ્દનો અર્ક આપેલો જ છે.

સંથારો એ આત્મહત્યા નથી એક ધાર્મિક અનુષ્ઠાન છે. આત્મહત્યા એ કરુણ કિસ્સો છે, જ્યારે સંથારામાં પ્રસન્તા છે. સમાધિ મૃત્યુ છે. આત્મહત્યામાં મોટાભાગે માનસિક દબાણ હોય છે, જ્યારે સંથારો સ્વૈચ્છિક, પોતાના આત્માના કલ્યાણ માટે કરેલું અનુષ્ઠાન છે.